વિરમગામના ભાજપના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયાનું નિધનઃ મુખ્ય પ્રધાને શોક વ્યક્ત કર્યો…

અમદાવાદઃ વિરમગામના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયાનું નિધન થયું હતું. 75 વર્ષની વયે ટૂંકી માંદગી બાદ 20 ઓક્ટોબરે મોડી રાત્રે તેમનું અવસાન થયું હતું. તેમના નિધનના સમાચાર મળતા જ સમગ્ર રાજકીય, સહકારી અને નાડોદા રાજપૂત સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના કાર્યકર્તાઓ અને સહકારી આગેવાનો તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
વજુભાઈ ડોડીયા વર્ષ 2002થી 2007 દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે વિરમગામ-સાણંદ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. રાજકારણ ઉપરાંત, તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અગ્રણી તરીકે પણ સક્રિય હતા. તેમની સાદગીપૂર્ણ છબિ, નિષ્ઠા અને જનસંપર્કને કારણે તેઓ તેમના વિસ્તારમાં અત્યંત લોકપ્રિય હતા. ધારાસભ્ય તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે વિસ્તારના વિકાસલક્ષી કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત અનેક રાજકીય નેતાઓ અને સામાજિક અગ્રણીઓએ સ્વ. વજુભાઈ ડોડીયાના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી.
મુખ્ય પ્રધાને સોશિયલ મીડિયા પર લખ્યું, વિરમગામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને સહકાર અગ્રણી વજુભાઈ ડોડીયાના અવસાન પર દુ:ખની લાગણી વ્યક્ત કરું છું. સાદગીપૂર્ણ વ્યક્તિત્વ સાથે તેમણે સહકારિતા ક્ષેત્રના વિકાસ તેમજ સમાજ કલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે, તેમજ તેમના સ્વજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ લખ્યું કે વિરમગામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયાના અવસાનના સમાચાર સાંભળી ઊંડા દુઃખની લાગણી અનુભવું છું. પરમકૃપાળુ પરમાત્મા સદ્ગત આત્માને ચિર શાંતિ અર્પે તેમજ પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના.
આ પણ વાંચો…ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાનું જન્મદિવસના એક દિવસ પહેલા નિધન, પાર્ટીના નેતાઓએ શોક વ્યક્ત કર્યો…