આપણું ગુજરાત

ગીર જંગલમાં દિવાળીના તહેવારોમાં ગેરકાયદે લાયન-શૉ રોકવા વનવિભાગે વિશેષ ટીમો બનાવી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં દિવાળીના તહેવારમાં ગેરકાયદે સિંહ દર્શન કરવાની ઘટનાઓ સતત સામે આવતી હોય છે, તેવા સમયે આ વર્ષે વનવિભાગ દ્વારા અમરેલી જિલ્લામાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. તમામ રેન્જમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. દિવાળી તહેવાર શરૂ થતાં પાંચ દિવસ સુધી સતત પેટ્રોલિંગ વનવિભાગ દ્વારા કરવામાં આવશે.
સિંહોની અવર જવરવાળા વિસ્તાર અને વસવાટવાળા વિસ્તારમાં વન અધિકારીઓ અને વનકર્મીઓએ પેટ્રોલિંગ શરૂ કર્યું છે. ગેરકાયદેસર રીતે સિંહ દર્શનની ઘટનાઓ સામે આવતી હોય છે તેવા સમયે વનવિભાગ આ તહેવારમાં એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લીલિયા રાજુલા જાફરાબાદ પીપાવાવ પોર્ટ સહિત આસપાસના રેવન્યૂ વિસ્તારમા સિંહો સહિત વન્યપ્રાણીઓનો વસવાટ વધુ છે તેવા વિસ્તારમાં બાજ નજર રાખી રહ્યા છે. સિંહ દ્વારા કરવામાં આવતા મારણો ઉપર પણ વનવિભાગ સતત વોચ રાખી રહ્યો છે. ગેરકાયદેસર સિંહ દર્શન અને ગેરકાયદે પ્રવૃત્તિ સામે કડક હાથે કાર્યવાહી કરવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા આદેશ આપવામાં આવ્યાં છે તેવા સમયે દિવાળી તહેવારમાં વનવિભાગના તમામ અધિકારીઓ કર્મચારીઓની રેડ એલર્ટના કારણે રજાઓ પણ રદ કરી પેટ્રોલિંગ સતત રાખવા માટે સૂચના આપવામાં આવતા વનવિભાગનો મોટો કાફલો પેટ્રોલિંગ કરી રહ્યો છે.
વનવિભાગના એસીએફ આર.એફ.ઓ.ફોરેસ્ટર વનરક્ષક ટ્રેકર્સ આઉટસોર્સિંગ રક્ષણ મજૂર સહિત કર્મચારીનો સમાવેશ કરાયો છે. અલગ અલગ રેન્જ વિસ્તારમાં ૧૩ જેટલી ટીમો બનાવી છે. કુલ ૮૭ જેટલા માણસો આ રેડ એલર્ટની કામગીરીમાં જોડાયા છે અને રાતભર પેટ્રોલિંગ હાથ ધર્યું છે.
વનવિભાગના ઇનચાર્જ એસીએફએ જણાવ્યું હતું કે, શેત્રુંજી ડિવિઝન વિભાગના અમારા ડીસીએફના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ૧૪ ટીમો બનાવી છે. આ ટીમો સિંહોની અવરજવર કરતા વિસ્તારમાં સાંજના સમયથી વહેલી સવાર સુધી ગેરકાયદેસર રીતે સિંહ દર્શન ન થાય અને વન્યપ્રાણી સિંહોને રંજાડ કોઈ ન કરે તે બાબતે એલર્ટ મોડમાં અમારી ટીમ છે. તારીખ ૧૧ થી લઈ તારીખ ૧૫ સુધી સતત પેટ્રોલિંગ કરવામાં આવશે, બધી રેન્જમાં સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. ગેરકાયદે સિંહ દર્શન સામે આવશે તો વનવિભાગ કાયદેસરની કાર્યવાહી કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે દિવાળી વેકેશન દરમિયાન મોટીસંખ્યામાં પ્રવાસીઓ ગીરના જંગલમાં આવતા હોય છે. દરેક મુલાકાતીઓને સિંહ દર્શન કરવા હોય છે. પરંતુ કાયદેસર રીતે થતાં ન હોવાથી કેટલાક લોકો ગેરકાયદે કરાવી આપતા હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button