Gujarat Universityમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, હોસ્ટેલમાં તોડફોડ

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર હુમલાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હોસ્ટેલ કેમ્પસમાં રમઝાન દરમિયાન તરાવીહને લઈને વિવાદ થયો હતો, જે બાદ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરો બહારના હોવાનું જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો એટલું જ નહીં પરંતુ હોસ્ટેલના રૂમમાં પણ ઘૂસીને તોડફોડ કરવામાં આવી હોવાની માહિતી મળી છે. અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, ભૂતાન, સીરિયા અને આફ્રિકન દેશોના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.
મળતી માહિતી અનુસાર હોસ્ટેલ રૂમમાં નમાઝ પઢવાને મામલે બે જૂથો વચ્ચે બોલાચાલી થયા બાદ વાત હિંસા સુધી પહોંચી હતી. જેમાં ચાર વિદેશી વિદ્યાર્થીઓને ઈજા થતા તેમને એસવીપી હોસ્ટેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જોકે આ વિદ્યાર્થીઓ પર આ પ્રકારના હુમલા અને ત્યારબાદ હૉસ્ટેલમાં તોડફોડે ગુજરાત યુનિવર્સિટીમાં સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે.
આ હુમલા અંગે જણાવવામાં આવી રહ્યું છે કે રમઝાનની રાત્રે A બ્લોકમાં તરાવીહ દરમિયાન બી બ્લોકના કેટલાક વિદ્યાર્થીઓ આવ્યા અને તેનો વિરોધ કર્યો અને તેમને હોસ્ટેલ કેમ્પસમાં તરાવીહ કરતા અટકાવ્યા. શરૂઆતમાં ત્રણ વિદ્યાર્થીઓ તેને રોકવા આવ્યા હતા પરંતુ પછી ટોળું ત્યાં પહોંચી ગયું અને મામલો ગંભીર બની ગયો હતો.
ગુજરાત યુનિવર્સિટીમાં અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, ભૂતાન, સીરિયા અને આફ્રિકન દેશોના વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહે છે અને અભ્યાસ કરે છે. હોસ્ટેલમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓએ જણાવ્યું કે અમે અહીં ભણવા માટે આવીએ છીએ. જો આ શરત હોય તો સરકારે વિઝા ન આપવા જોઈએ.
પીડિત વિદ્યાર્થીઓએ જણાવ્યું કે હોસ્ટેલના રૂમમાં ઘૂસીને તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. લેપટોપ, એસી, કબાટ, ટેબલ, દરવાજા, મ્યુઝિક સિસ્ટમની તોડફોડ કરવામાં આવી છે. વિદેશી વિદ્યાર્થીઓએ કહ્યું, અમે અહીં ઘણા તહેવારોમાં ભાગ લઈએ છીએ, દરેક અમારા ભાઈ છે પરંતુ આ અપેક્ષા નહોતી.
વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલા બાદ ગુજરાત સરકાર પણ એક્શન મોડમાં આવી છે. આ ઘટના અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ બેઠક બોલાવી છે. આ પહેલા તેમણે ડીજી અને સીપીને તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
સ્થાનિક વિધાનસભ્ય ઈમરાન ખેડાવાલાએ અપીલ કરી છે કે આ ઘટનાની ચોક્કસાઈથી તપાસ થાય. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ પ્રકારની ધાર્મિક અસહિષ્ણુતા સાંખી લેવાઈ નહીં.
જોકે આ ઘટનાએ રાજ્યમાં આવતા વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા સામે પણ સવાલો ઊભા કર્યા છે. આ પ્રકારના કિસ્સાઓ આંતરારાષ્ટ્રીય સ્તરે ચર્ચાતા હોય છે.