ઉના નજીક છકડો રિક્ષાના ‘ચોરખાના’માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ઉનાઃ ઉના નજીકથી દારૂની હેરાફેરીના વધુ એક પ્રયાસને પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો. જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે અંજાર ગામ તરફ જતા રસ્તા પરથી એક શંકાસ્પદ છકડો રિક્ષાને ઝડપી પાડી હતી. રિક્ષાના ગુપ્ત (ચોર) ખાનામાંથી વિદેશી દારૂની 120 બોટલો મળી આવતાં એક શખ્સની અટકાયત કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઉના શહેરથી લગભગ 2 કિલોમીટર દૂર આવેલા અંજાર ગામ તરફના રસ્તા પર છકડો રિક્ષામાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. બાતમીના આધારે પોલીસે સવારના સમયે આ વિસ્તારમાં આવેલા ભંગારના ડેલા પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન જીજે. 11. ટીટી. 1074 નંબરની એક શંકાસ્પદ છકડો રિક્ષા ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકાવી તલાશી લીધી હતી.
આપણ વાંચો: અમદાવાદ-રાજકોટ હાઈવે પર વિદેશી દારૂનો ટેલર ઝડપાયો, 4500થી વધુ બોટલો સહિત ₹90 લાખનો મુદ્દામાલ જપ્ત…
રિક્ષાની ઝીણવટભરી તલાશી લેતા તેના ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની કુલ 120 બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો અને હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી છકડો રિક્ષા સહિત કુલ ₹46,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે આ મામલે સકીલ હનીફ ચૌહાણની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે ગુનામાં સંડોવાયેલા અન્ય એક શખ્સ મહેબૂદશા ઇકબાલશા શામદાર સામે પણ કાર્યવાહી શરૂ કરી હતી.