અનોખો કિસ્સો: ગર્લફ્રેન્ડને ગર્ભપાત માટે પરિવારજનોએ દબાણ કરતા યુવકે હેલ્પલાઇનની મદદ લીધી
મોટાભાગના કિસ્સાઓમાં જ્યારે યુવક અને યુવતી રિલેશનશીપમાં હોય અને યુવતી ગર્ભવતી થાય ત્યારે યુવક તરછોડી દેતા હોય છે ત્યારે વડોદરામાં એક અનોખી ઘટના બની છે કે જેમાં 181 અભયમ હેલ્પલાઇન પર એક યુવકનો કોલ આવ્યો હતો. જેમાં તેણે ફરિયાદ કરી હતી કે તે જે યુવતી સાથે રિલેશનશીપમાં છે તે હાલ ગર્ભવતી છે અને તેના પરિવારજનો તેને ગર્ભપાત કરવા માટે દબાણ કરી રહ્યા છે. તેને 5 મહિનાનો ગર્ભ છે અને તે ખાનગી રીતે પડાવવા તેને ક્લિનિક લઇ ગયા છે.
આથી હેલ્પલાઇનની ટીમ ક્લિનિક પર પહોંચી હતી અને યુવતી તથા તેના પરિવારજનોનું કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું. કાઉન્સેલિંગમાં યુવતીએ જણાવ્યું હતું કે તે 3 વર્ષથી આ યુવક સાથે રિલેશનશીપમાં હતી અને તેઓ લગ્ન કરવા માગે છે, પરંતુ પરિવારજનો વિરુદ્ધમાં છે. જ્યારથી ઘરે પ્રેગનન્સીની જાણ થઇ ત્યારથી માતાએ એબોર્શન માટે સતત દબાણ કરતા હતા જેથી હું ક્લિનિક આવી છું. જો કે અભયમની ટીમે ગર્ભપાત ન કરાવવા યુવતીના પરિવારજનોને સમજાવ્યા હતા અને તેનો બોયફ્રેન્ડ બાળક સાથે તેને અપનાવવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.
આ પછી અભયની ટીમ તે ક્લિનિકના સ્ટાફ સાથે પણ વાત કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે 3 દિવસ પહેલા યુવતી તેની માતા સાથે રિપોર્ટ કરાવવા આવી હતી અને રિપોર્ટ જોઇને ડૉક્ટરે ગર્ભપાતની ના પાડી હતી. તેમજ યુવતીમાં લોહી ઓછું છે, તેના જીવનું જોખમ ઉભું થશે અને 5 મહિનાનો સમય વીતી ગયો હોવાથી ગર્ભપાત ગુનો બનશે તેમ તબીબે જણાવ્યું હતું. યુવતીને શહેર પોલીસની શી ટીમની પણ મદદ લેવાઇ હતી અને ગર્ભપાતની પ્રક્રિયા અટકાવી દેવાઇ હતી.