આપણું ગુજરાત

સતત ચોથી વાર ગુજરાત સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ તરીકે ટોચના ક્રમે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને પ્રેરણા આપવા ૧૬ જાન્યુઆરી ૨૦૧૬ના શરૂ કરાવેલી નવતર પહેલ ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ અન્વયે ગુજરાતે સતત ચોથી વાર સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટનું ગૌરવ મેળવ્યું છે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ
અને સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોને અભિનંદન પાઠવ્યા છે.

નેશનલ સ્ટાર્ટઅપ-ડે ના અવસરે નવી દિલ્હીમાં સ્ટાર્ટઅપ રેન્કિંગ-૨૦૨૨ના પરિણામોનું અનાવરણ કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલે કર્યું હતું.

વડા પ્રધાને આત્મનિર્ભર ભારતના ધ્યેયને પાર પાડવા દેશમાં મજબૂત ઉદ્યોગ સાહસિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા આ ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ પહેલ શરૂ કરાવેલી છે. આના પરિણામ સ્વરૂપે ભારત આજે વિશ્વમાં ૧ લાખ ૧૭ હજાર જેટલા માન્ય સ્ટાર્ટઅપ અને ૧૧૧ યુનિકોર્ન સ્ટાર્ટઅપ ધરાવતું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ બન્યું છે.

દેશના રાજ્યોમાં પણ ઇનોવેશન્સ અને ઉદ્યોગ સાહસિકતાને વધુ પ્રેરિત કરવા કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા વર્ષ ૨૦૧૮થી રાજ્યો માટે સ્ટાર્ટઅપ રેન્કિંગ ફ્રેમવર્ક શરૂ કરવામાં આવ્યું છે.

સ્ટાર્ટઅપ ઇન્ડિયાએ ૩૩ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોનું ૨૫ એક્શન પોઇન્ટ્સ આધારીત ૭ નિર્ણાયક સુધારાઓના ક્ષેત્રોમાં મૂલ્યાંકન-એસેસમેન્ટ કર્યું હતું. આ મૂલ્યાંકનના જાહેર થયેલાં પરિણામોમાં ગુજરાતે સતત ચોથી વાર બેસ્ટ પર્ફોર્મર સ્ટેટનો એવોર્ડ મેળવ્યો છે. નવી દિલ્હીમાં આ એવોર્ડ ઉદ્યોગ વિભાગના વરીષ્ઠ અધિકારીઓ અને ટીમ ગુજરાતે સ્વીકાર્યો હતો. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્યમાં સ્ટાર્ટઅપ કલ્ચરને વેગ આપવા ગુજરાતે પહેલરૂપ એવી સ્ટાર્ટઅપ પોલિસી ૨૦૧૫ લોન્ચ કરેલી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button