Banaskanthaમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી; 2 લાખની કિંમતનો બિન આરોગ્યપ્રદ જથ્થો જપ્ત
પાલનપુર: બનાસકાંઠા જિલ્લા દ્વારા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વડગામ તાલુકામાં છાપી GIDCમાં આવેલી એક પેઢીમાં શંકાસ્પદ પનીરનું ઉત્પાદન થતું હોવાની બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની સંયુક્ત રેડ દરમિયાન આલિયા મિલ્ક પ્રોડક્ટસ ખાતેથી કૂલ 3 નમુના એકત્ર કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા 2 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
આલિયા મિલ્ક પ્રોડક્ટ પેઢી ખાતે દરોડા
બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વડગામના છાપી GIDCમાં આલિયા મિલ્ક પ્રોડક્ટ પેઢી ખાતે સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન પેઢીમાંથી નોન-ફુડ ગ્રેડ “એસિટીક એસિડ” અને “પામોલિન તેલ”ના 7 ડબ્બા મળી આવ્યા હતા. જેથી પનીરમાં ભેળસેળની પ્રબળ શંકાના આધારે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ હતી.
315 કિગ્રા જથ્થો જપ્ત
કોઈપણ સત્તાવાર મંજૂરી કે લાયસન્સ વિના જ આ પેઢી ચાલતી હતી. પેઢીના માલિક કરોડીયા ઉમરફરાક અબ્દુલ રહેમાનને હાજર રાખીને તંત્ર દ્વારા કૂલ 3 નમુના લેવામાં આવ્યા હતા. જેમાં પનીર અને તેમાં ભેળસેળ માટે વપરાતા પામોલિન તેલ અને નોન-ફુડ ગ્રેડ એસિટીક એસિડના પણ નમૂના લેવામાં આવ્યા હતા, જેની તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે બાકીનો આશરે 315 કિગ્રા જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની અંદાજીત કિંમત રૂપિયા 2 લાખ છે.
Also read: બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદ
ફોરેન્સિક રિપોર્ટ બાદ કાર્યવાહી
નકલી અને બિન આરોગ્યપ્રદ પનીરના જથ્થા પર ખોરાક અને ઔષધ નિયમન તંત્રની તવાઈથી ભેળસેળિયાઓમાં ફફડાટ ફેલાયો છે. દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલા જથ્થો પ્રાથમિક દ્રષ્ટિએ બિન-આરોગ્યપ્રદ હોઈ તેના ફોરેન્સિક રિપોર્ટ બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારઆ જણાવવા આવ્યું છે.