ભેળસેળિયાઓમાં ફફડાટ: તહેવાર ટાણે ફૂડ વિભાગના દરોડાથી 4.5 કરોડનો અખાદ્ય જથ્થો કર્યો જપ્ત…
દિવાળી સહિતના તહેવારોમાં બહારથી મળતી ખાદ્ય ચીજોમાં ખૂબ જ ભેળસેળ અને અખાદ્ય પદાર્થોનું વેંચાણ થતું હોય છે. જે લોકોના આરોગ્ય પર ગંભીર અસરો પાડે છે આથી રાજ્ય સરકાર દ્વારા આગામી દિવાળીના તહેવારોમાં લોકોને શુદ્ધ અને સલામત ખાદ્ય ચીજ મળી રહે તેની પૂર્વ તૈયારી રૂપે ફૂડ સેફટી પખવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે, જેના ભાગ રૂપે રાજ્યવ્યાપી દરોડા પાડીને રૂ. 4.5 કરોડ થી વધુનો શંકાસ્પદ ખાદ્ય ચીજનો જથ્થો જપ્ત કરાયો છે. ફૂડ વિભાગના દરોડાથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે
ફૂડ ડીપાર્ટમેન્ટ દ્વારા ખાદ્ય ચીજોના ધંધા સાથે સંકળાયેલા ઉત્પાદકો, રીટેલર તથા કોલ્ડ સ્ટોરેજ વેગેરે જગ્યાએથી ફૂડ સેફટી પખવાડિયામાં અત્યાર સુધી કૂલ 1755 એન્ફોર્સમેન્ટ નમુના અને 3731 સર્વેલન્સ નમુના એમ કૂલ 5486 નમુનાઓ લેવામાં આવ્યા જયારે 2423 ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યા છે.
મહેસાણા અને પાટણ ખાતે થી રૂ. 1.39 કરોડના 45.5 ટન શંકાસ્પદ ઘીનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રને મળેલ ખાનગી બાતમી ના આધારે હરિઓમ પ્રોડક્ટ્સ ખાતેથી શંકાસ્પદ રીતે ઘીમાં ભેળસેળ કરવામાં આવે છે તેના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. સ્થળ ઉપર તપાસ દરમ્યાન તંત્રની ટીમને ઘીમાં ભેળસેળ કરતા હોવાનું જણાઈ આવ્યું હતું,આથી કૂલ 6 નમુના લેવામાં આવ્યા હતા,જયારે બાકીનો કૂલ રૂ. 1.25 કરોડના 43,100 કિગ્રાનો જથ્થો કે જપ્ત કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત પાટણના ત્રણ દરવાજા પાસે આવેલ નીતીનકુમાર ભાઈલાલ ઘીવાલાની પેઢીમાંથી કૂલ 11 શંકાસ્પદ ઘીના નમુના લેવામાં આવ્યા છે જયારે અંદાજીત કિંમત આશરે રૂ. 14.30 લાખનો બાકીનો 2400 કિગ્રાથી વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ નિયમોનુસારની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે.