કચ્છમાં આવી ગયા છે યુરોપ, મોંગોલિયા સહિતના મહેમાનોઃ જોવા જાશો કે નહીં?
ભુજઃ અનેક ભૌગોલિક વિવિધતા ધરાવતા સરહદી કચ્છમાં શિયાળાની ઋતુનું મોડેથી આગમન થયું છે એ દરમ્યાન દેશ-વિદેશથી આવતાં રૂપકડાં યાયાવર પક્ષીઓની વસાહતો રણપ્રદેશના દુર્ગમ સ્થળોથી લઇ છેક ભુજ શહેરની વૈશ્વિક ઓળખ તરીકે ઓળખાતા હમીરસર તળાવમાં ઉભી થતી જોવા મળી રહી છે.
કચ્છમાં આ વર્ષે પણ સારો વરસાદ વરસ્યા બાદ સરહદી વિસ્તારથી લઇ ઇન્ડો-પાક બોર્ડરની પેલે પાર કેટી બંદર અને સિંધ વિસ્તાર સહિતનો રણ વિસ્તાર પેસેજ માઈગ્રેશનમાં આવતાં સુરખાબ ઉપરાંત વિવિધ પ્રજાતિઓના યાયાવર પક્ષીઓના ક્લશોરથી ગુંજી ઉઠ્યો છે.
આ પક્ષીઓ રૂટ પ્રમાણે યુરોપ, મોંગોલિયા દેશથી આફ્રિકાના મેદાન તરફ જતા હોય છે એ દરમિયાન કચ્છમાં થોડો સમય રોકાણ કરતા હોય છે જેમ કે સ્પોટેડ ફલાયકેચર, રૂફોઉસ, ટેઈલેડ, સ્ક્રબ, રોબીન, શ્રીકેસ, જેકોબીન કુકો, યુરોપિયન નાઈટજર, યુરોપીન રોલર, વ્રાયનેક વગેરે ૧૬૨ જેટલી પ્રજાતિના પક્ષીઓ વેંકરિયાના રણ, મોટા રણમાં બનાવાયેલી નવી ફલેમિંગો સિટી,ભુજ, માંડવી, બન્ની, નખત્રાણા, અબડાસા, ગાંધીધામ, અંજાર વિસ્તારની રખાલો અને જંગલ આસપાસના વિસ્તારોમાં હાલે ઉમટી રહ્યાં છે.
નોંધનીય છે કે, યાયાવર પક્ષીઓ પ્રજનન માટે માનવ વસ્તીથી દૂર છીછરા પાણી સાથેનું ખોરાક મળી રહે ઍવું સ્થળ પસંદ કરે છે, જોકે પાછલા કેટલાક વર્ષોથી પ્રવાસીઓનો ધસારો તેમજ પ્રદુષણની માત્ર વધી જતાં આ રૂપકડાં પક્ષીઓને ખલેલ પડી રહી છે.
દરમ્યાન, પાકિસ્તાનમાં ચોમાસામાં થતા ભારે વરસાદને લઈને પૂરના પાણી કચ્છના મોટા રણમાં પુષ્કળ પ્રમાણમાં આવે છે જેને કારણે અહીં પ્રજનન માટે આવતાં સુરખાબ પક્ષીઓના ઈંડા તણાઈ જવાને કારણે પક્ષીના પ્રાકૃતિક પ્રજનન સમયચક્રને હાનિ પહોંચતી હતી.
Also Read – અમદાવાદમાં એસ.જી હાઈવે પર બનશે 5 ફૂટ ઓવરબ્રિજ, જાણો કેટલો થશે ખર્ચ
આ સમસ્યાના નિરાકરણ માટે મોટા રણના ખડીર વિસ્તારમાં આવેલી ફ્લેમિંગો સિટીની મધ્યમાં ત્રણેક વર્ષ અગાઉ સુરખાબ પ્રજનન કરી શકે તે માટે ૧ મીટર ઊંચું અને ૧૦૦ મીટર જેટલું લાબું બનાવવામાં આવેલું બ્રિડિંગ પ્લેટફોર્મ રશિયા, યુદ્ધગ્રસ્ત યુક્રેન, સર્બિયા જેવા પૂર્વ સોવિયેટ યુનિયનના દેશોમાંથી હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને કચ્છ આવેલા સુરખાબ પક્ષીઓ માટે આશીર્વાદરૂપ બન્યું છે અને અહીં અત્યારસુધી અંદાજિત ૬૦૦૦૦થી પણ વધારે સુરખાબનું સફળ પ્રજનન થયું છે.
વનવિભાગ દ્વારા મોટા રણમાં વિદેશી પક્ષીઓના માળાઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કચ્છમાં મહેમાન બનતા વિવિધ પ્રકારોના વિન્ટર બર્ડસ વચ્ચે ફલેમિંગો હમેંશા આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે.