ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં પાંચ યુવાનના હાર્ટએટેકથી મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટએટેકથી અકાળે મોતનો સિલસિલો યથાવત્ છે, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં વડોદરા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં હાર્ટએટેકથી પાંચનાં મોત થયાં હતાં. ઘટનાને પગલે લોકોમાં ભયનો મહોલ છવાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં છેલ્લા ચોવીસ કલાકમાં હાર્ટએટેકના કારણે પદમલાના રાકેશ જાદવ અને લાલજીપૂરા ગામના ગૌતમ પરમાર નામના યુવાનોનાં અકાળે મોત નિપજતાં પરિવારમાં આક્રંદનો માહોલ છવાયો હતો. રાજકોટમાં પણ હાર્ટએટેકથી બે યુવાનોનાં મોત નિપજ્યાં હતાં. શહેરના રામવન પાસે આવેલા બંસીધર વે-બ્રિજ નજીક મીરા ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં રહેતા ગુરુપ્રસાદ શિવકુમાર ગોડિયાનુ ં(ઉ.વ.૨૦) હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. બીજી તરફ રૂખડીયા ફાટક પાસે રહેતા સુરેશ લોરીયા (ઉ.વ.૩૫)નું હાર્ટએટેકથી મોત નિપજ્યું હતું. બન્ને યુવકોને સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના સુરેશ ધુધળીયા(ઉ.વ.૩૦) નું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. નાસ્તો કર્યા બાદ સુરેશની તબિયત લથડતા તે બેભાન થઈ ગયા હતા. જે બાદ લખતર હૉસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યા હતા.