આપણું ગુજરાત

અમદાવાદમાં એક જ અઠવાડિયામાં રેડ લાઇટ, સ્ટોપ લાઇનનો ભંગ કરનારા પાંચ હજારનો દંડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરમાં રોડ સેફ્ટી વીક અંતર્ગત ટ્રાફિક પોલીસે અનેક જાગૃતિ કાર્યક્રમો યોજવાની સાથે લોકો નિયમોનો ભંગ કરે તો તેને ‘વન નેશન વન ચલણ’ હેઠળ એપ્લિકેશન અને સીસીટીવી મારફતે મેમો આપીને દંડ ફટકાર્યો હતા. આ રોડ સેફ્ટી વીક અંતર્ગત ટ્રાફિક પોલીસે એક માસની એટલે કે ૧૬ જાન્યુઆરીથી ૧૬ ફેબ્રુઆરી સુધી ડ્રાઇવ રાખી છે, જેમાં પહેલા અઠવાડિયે ૧૬થી ૨૧ દરમિયાન જ ટ્રાફિક પોલીસે રેડ લાઇટ અને સ્ટોપ લાઇન વાયોલેશન બદલ પાંચ હજારથી વધુ લોકોને ૩૦ લાખથી વધુનો દંડ ફટકાર્યો હતો, જ્યારે શહેરના અનેક વિસ્તારોમાં ગેરકાયદે પાર્કિંગ કરનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે.

‘વન નેશન વન ચલણ’ પ્રોજેક્ટ અંતર્ગત પોલીસ પાસે મોબાઇલમાં રહેલી ઈ ચલણ એપ્લિકેશન થકી ગેરકાયદે પાર્કિંગ કરનારા ૨૫૦૦થી વધુ લોકોને ૪૭ લાખથી વધુ દંડ ફટકાર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં ચારેય મહાનગરોમાં સરકાર દ્વારા ‘વન નેશન વન ચલણ’ પ્રોજેક્ટ અમલમાં મુકાયો હતો. જેમાં
ઈ-ચલણ એપ્લિકેશન થકી પોલીસ ફોટો પાડીને અને સીસીટીવી મારફતે નિયમો ભંગ કરનારને ટ્રાફિક પોલીસ મેમો મોકલી શકે છે. રોડ પોલીસે ૧૬ જાન્યુઆરીથી એક માસની ડ્રાઇવ શરૂ કરતા અનેક લોકો હજુય નિયમોનો ભંગ કરતા હોવાનું સામે આવ્યું છે.

શહેરમાં રેડ લાઇટ અને સ્ટોપ લાઇન વાયોલેશન કરનારાઓની સંખ્યા પાંચેક હજાર છે, જ્યારે આ ડ્રાઇવ દરમિયાન પુરઝડપે વાહન ચલાવનાર, ગેરકાયદે પાર્કિંગ કરનારા, સેફ્ટી બેલ્ટ કે હેલમેટ ન પહેરનારની સાથે ટ્રાફિક સિગ્નલોનો ભંગ કરનાર સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરીને તમામ નિયમોનો ભંગ કરનારાઓને મોબાઇલ એપ્લિકેશન અને સીસીટીવી મારફતે મેમો આપીને એક કરોડથી વધુનો દંડ ફટકાર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button