આપણું ગુજરાત

કૉંગ્રેસે જેલમાં નાખ્યો ત્યારે પાંચ મિનિટ પહેલા જેલનો પ્રધાન હતો: અમિત શાહ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જૂનાગઢ ખાતે રૂપાયતન સંસ્થાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. અમિત શાહ દ્વારા દિવ્યકાંત નાણાવટી સ્મૃતિગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું. સાંસદ પરિમલ નથવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન અમિત શાહે દિવ્યકાંત નાણાવટીને યાદ કર્યા હતા.

જૂનાગઢમાં પૂર્વ કેબિનેટ પ્રધાન દિવ્યકાંત નાણાવટીના શતાબ્દી વર્ષ નિમિત્તે રૂપાયતન પરિવાર દ્વારા ભવના તળેટી રૂપાયતન પરિસર ખાતે સ્મૃતિ પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્મૃતિ ગ્રંથનું અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં અમિત શાહે જણાવ્યું કે આજે દિવ્યકાંતભાઈને ભૂલાય તેમ નથી. એમના યોગદાન વિશે ઘણું બધું કહેવું છે. પરંતુ મરણ અને સ્મરણ વચ્ચે અડધા ‘સ’ નો જ સવાલ છે. પરંતુ આ અડધો ‘સ’ જોડતા આખી જિંદગી નીકળી જાય છે. જીવનની દરેક પળને લોકો માટે જીવવી પડે.

આ સાથે જ શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષે મને સીબીઆઇનો કેસ કરી જેલમાં નાખ્યો હતો ત્યારે ૫ મિનિટ પહેલા હું જેલનો પ્રધાન હતો અને ૫ મિનિટ પછી કેદી હતો. પછી મારો આ કેસ નિરૂપમભાઇ લડ્યા અને જીતવામાં મદદ કરી હતી. જૂનાગઢ આવ્યો છું ત્યારે નરસિંહ મહેતાને જરૂર યાદ કરીશ. નરસિંહ મહેતા જેવા ઉત્કૃષ્ટ સાહિત્કાર મળવા મુશ્કેલ છે. તેમજ નરસિંહ મહેતાએ જીવન સાહિત્યને અર્પણ કર્યું છે.

દિવ્યકાંતભાઈનું જૂનાગઢના વિકાસમાં અનેરું યોગદાન રહ્યું છે. જૂનાગઢ નગરપાલિકાના પ્રમુખ તરીકે જાહેર જીવનનો પ્રારંભ કર્યા બાદ બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા ત્યારબાદ વિધાનસભામાં કેબિનેટ પ્રધાન અને ગુજરાતના પ્રખર ધારાશાસ્ત્રી તરીકે નામના મેળવી ચૂક્યા હતા. નગરપાલિકાના પ્રમુખ તરીકેના સમયગાળા દરમિયાન જુનાગઢમાં સરદાર વલ્લભભાઈ પટેલની કાંસ્ય પ્રતિમાનું સ્થાપન, રસ્તા અને સ્ટ્રીટ લાઇટનું આધુનિકીકરણ, વિલીગડન ડેમનું બ્યુટીફિકેશન સહિતના વિકાસલક્ષી કાર્યો કરી જૂનાગઢના વિચાર પુરૂષ તરીકે તેમણે ખ્યાતિ પ્રાપ્ત કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button