ગાંધીનગર નજીક કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં પાંચનાં મોત: એક ઘાયલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગાંધીનગરનાં પેથાપુર ચાર રસ્તાથી રાંધેજા ચોકડી તરફ જતાં હાઇવે પર અકસ્માતમાં પાંચ પિતરાઈ ભાઈનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે એક ઘાયલ વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં કાર રોડની નીચે ઉતરી ઝાડ સાથે અથડાઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરના સાહિલ ચૌહાણ (રહે. માણસા ખાટકી વાસ) પોતાની કારમાં મોહમદ અલ્ફાઝ બેલીમ, સલમાન ચૌહાણ (રહે. હિંમતનગર), અસપાક ચૌહાણ (રહે. માણસા ખાટકી વાસ), મહોમદ સાજેબ બેલીમ તથા શાહનવાબ ચૌહાણ પેથાપુર ખાતે ફિલ્મ જોઈ ૫રત માણસા આવવા નીકળ્યા હતા. તે દરમિયાન પેથાપુર ચોકડીથી રાંધેજા ચોકડી તરફ જતા હાઇવે ઉપર અચાનક સાહિલ ચૌહાણે ગાડી પુરઝડપે ગફલતભરી રીતે હંકારી સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેનાં કારણે ગાડી રોડની નીચે ઉતરી જઈ ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં પાંચ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં. જ્યારે શાહનવાબ ચૌહાણને અર્ધ-બેભાન હોઈ અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો.