ગુજરાત પોલીસના પાંચ ઘોડાના મોત, 28 ચેપગ્રસ્ત
અમદાવાદ: ગુજરાત રાજ્ય પોલીસ(Gujarat police)ના અમદાવાદમાં આવેલા ઘોડા કેમ્પ(Ghoda Camp)માં બીમારી પ્રસરી રહી છે, એક અહેવાલ મુજબ છેલ્લા એક મહિનામાં પોલીસના 5 ઘોડાના મોત થયા છે, અને 28 ઘોડાને ટિકથી ચેપ લાગ્યો છે, આ બાબત પ્રકાશમાં આવ્યા બાદ ડીજીપી જીએસ મલિકે કડક કાર્યવાહી કરી છે, એક પોલીસ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, આ ઘટની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
ડીજીપી જીએસ મલિકે અમદાવાદના મેઘાણીનગર (Meghaninagar) ઘોડા કેમ્પ અચાનક મુલાકાત લેતા ઘોડામાં બીમારી અંગે ઘટસ્ફોટ થયો હતો. મુલાકાત દરમિયાન, તેમને જાણવા મળ્યું કે ત્રણ ઘોડાઓ: મકડી (5 વર્ષ), રાધા (4 વર્ષ) અને જગુઆર (6 વર્ષ) ચાર અઠવાડિયાના ગાળામાં મૃત્યુ પામ્યા હતા, આ ત્રણેય અન્ય બે મૃત ઘોડાઓની તુલનામાં ખૂબ જ યુવાન હતા.
ઘોડાના શંકાસ્પદ મૃત્યુની તપાસ માટે વિશેષ તપાસનો આદેશ આપવામાં આવ્યા છે. તપાસમાં પુષ્ટિ થઈ છે કે મૃત્યુ ચેપ અને જંતુના કરડવાથી થયા છે. ગયા વર્ષે પણ આવી જ પરિસ્થિતિમાં બે ઘોડાના મોત થયા હતા.
તપાસમાં એ પણ જાણવા મળ્યું કે યોગ્ય કાળજીના અભાવે 28 ઘોડામાં ટિક ઇન્ફેક્શન થયું હતું. તપાસ અહેવાલ બાદ, ઘોડા કેમ્પના પીઆઈ એમએસ બારોટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
તપાસમાં જાણવા મળ્યું કે ઘોડાનો ચારો જે સૂકો અને સફેદ હોવો જોઈએ, તે કાદવવાળો અને લીલો હતો, આયોગ્ય જગ્યાએ સંગ્રહિત કરવામાં આવ્યો હતો, ત્યાં ગરોળી પણ જોવા મળી હતી. ઘોડાઓ માટે વપરાતી પીવાના પાણીની ટાંકીઓમાં પણ શેવાળનો જથ્થો જોવા મળ્યો હતો.
વધુમાં જાણવામાં મળ્યું કે ઘોડાઓની માસિક તબીબી તપાસ કરવી ફરજિયાત છે. જૂનમાં મૃત્યુ પામેલા ઘોડાઓની તપાસ જ કરવામાં આવી ન હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્ટાફના શૌચાલય પણ ચોકઅપ અને ગંદા જોવા મળ્યા હતા.
Also Read –