સૌરાષ્ટ્રના ઉપલેટામાં દસ દિવસમાં પાંચ બાળકના મોતઃ કોલેરાની આશંકા
રાજકોટઃ Gujaratનું આણંદ શહેર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે હવે સૌરાષ્ટ્રમાં કોલેરાને લીધે મૃત્યુ થયાના ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. રાજકોટના ઉપલેટમાં તણસવા ગામે પાંચ બાળકોના મોત કોલેરાથી થયા હોવાનું અનુમાન છે. ગત 13મી જૂનથી અત્યાર સુધીમાં પાંચ બાળકોના મોત નિપજતા તંત્ર દોડતું થયું છે. જિલ્લા આરોગ્ય શાખા, મામલતદાર, ડેપ્યુટી કલેકટર, પોલીસ સહિતની અન્ય ટીમો તણસવા ગામે પહોંચી ગઈ છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તણસવા ગામ નજીક પ્લાસ્ટિકના ઘણા કારખાનાઓ આવેલા છે. વેસ્ટ પાણી જતું હોય કારખાનાઓના પાણીને કારણે ઝાડા, ઉલ્ટી બાદ કોલેરાને કારણે બાળકોના મોત થયા હોવાનું પ્રાથમિક તારણ છે. પ્લાસ્ટિકના કારખાનાઓમાં વેસ્ટ માલ વચ્ચે ઝુંપડામાં રહેતા હોય અને પાણી પીતા હોવાથી ઝાડાઉલ્ટી થયા બાદ કોલેરા થયા હોય તેવું અનુમાન છે. આરોગ્ય હેલ્થ ઓફિસર દ્વારા 20 ટીમ બનાવી આજુબાજુના કારખાનાઓમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોને ચેક કરવામાં આવશે. પાણીના સેમ્પલ પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટે લીધા છે જેને લેબમાં મોકલ્યા બાદ સાચું કારણ બહાર આવશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પી. કે. સિંગ પણ ટીમ સાથે તણસવા ગામે પહોંચ્યા હોવાની માહિતી છે.
બીજી તરફ, આણંદ શહેરમાં બાલુપુરા અને તાસ્કંદ પાસે કુમાર શાળા વિસ્તારમાંથી કોલેરાનાં બે પોઝીટીવ કેસ મળી આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે અને આણંદ શહેર તેમજ આસપાસના 10 કિલોમીટરના વિસ્તારને કોલેરા ભય ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. શહેરમાં ઝાડા ઉલ્ટીના 41 કેસ સત્તાવાર નોંધાયા છે. ઝાડા ઉલ્ટીના 100 થી વધુ કેસ ખાનગી હોસ્પિટલમાં છે.
અમદાવાદ શહેર પણ દૂષિત પાણીના ત્રાસથી શહેરમાં પાણીજન્ય રોગચાળો ગંભીર રીતે વકર્યો છે. મનપાના લેટેસ્ટ અપડેટ અનુસાર, જાન્યુઆરીથી જૂન મહિના સુધીમા ઝાડા ઊલટી, ટાઇફોઇડ, કમળો અને કોલેરાના સેંકડો કેસ નોંધાયા છે. જેમાં ઝાડાઉલટીના 5515, કમળો 766, ટાઈફોઈડના 1815 અને કોલેરાના 91 કેસ નોંધાયા છે. અમદાવાદના ઈન્દ્રપુરી, વટવા , લાંભા, મણિનગર , દાણીલીમડા, બહેરામપુરા, અને અમરાઈવાડીમાં કોલેરાના કેસ નોંધાયા છે.