પાકિસ્તાનની જેલમાં જુનાગઢના માછીમારનું મોત, મહિના બાદ સોંપવામાં આવ્યો મૃતદેહ…
જુનાગઢઃ 31 વર્ષીય ભારતીય માછીમારનું પાકિસ્તાનની જેલમાં ગત મહિને મૃત્યુ થયું હતું. તેનો મતૃદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. મૃતક માછીમાર જુનાગઢ જિલ્લાના નાનાવડા ગામનો હતો, અધિકારીઓ દ્વારા આજે આ માહિતી આપવામાં આવી હતી.
આ પણ વાંચો : પાકિસ્તાનને હજુ પણ જુનાગઢના સપના આવે છેઃ શહેરના સ્વતંત્રતા દિવસે ધારાસભ્યએ કહ્યું કે…
પોરબંદરના હરિભાઈ સોસા નામના માછીમારનું 2021ની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય મેરીટાઈમ બોર્ડર નજીક માછીમારી કરતી વખતે પાકિસ્તાને અપહરણ કર્યું હતું. તેમને કરાંચીની જેલામાં રાખવામાં આવ્યા હતા. સત્તાધીશોના જણાવ્યા મુજબ, સોસાનું 25 ઓક્ટોબરે કરાચીની જેલમાં હાર્ટ એટેકથી મોત થયું હતું. તેમનો મૃતદેહ પંજાબની અટારી બોર્ડર પર ભારતીય સત્તાધીશોને સોંપવામાં આવ્યો હતો. રવિવારે રાત્રે તેમનો મૃતદેહ વતન પહોંચ્યો હતો.
પોરબંદરના ફિશરિઝ ઓફિસર આશીષ વાઘેલાએ જણાવ્યું, સોસા અને અન્ય માછીમારો આંતરરાષ્ટ્રીય મેરીટાઈમ બોર્ડર નજીક માછીમારી કરતા હતા ત્યારે તેમનું પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાની સત્તાધીશો દ્વારા સોસાનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હોવાનું જણાવ્યું હતું અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આપવામાં આવ્યો છે. સોસાની સજા જુલાઈ 2021માં જ પૂરી થઈ ગઈ હતી, તેમ છતાં મુક્ત કરવામાં આવ્યા નહોતા.
આ પણ વાંચો : જય ગિરનારીઃ જૂનાગઢની પરિક્રમા માટે રેલવે દોડાવશે સ્પેશિયલ ટ્રેન
એક દાયકમાં પાકિસ્તાનની જેલમાં કેટલા ભારતીય માછીમારોના થયા મોત?
2023માં પાકિસ્તાનની જેલમાં 5 ભારતીય માછીમારોના મૃત્યુ થયા હતા અને ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 3નાં મોત થયા છે. એક દાયકામાં 26 ભારતીય માછીમારોના પાકિસ્તાનની જેલમાં મોત થયા છે. પાકિસ્તાનની જેલમાં 212 જેટલા ભારતીય માછીમારો કેદ છે, જેમાંથી મોટાભાગના ગુજરાતના છે. ભારતીય જળસીમા નજીક માછમારી કરતી ભારતીય બોટનું સમાયંતરે પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ કરવામાં આવે છે.