શા કારણે થઈ રહ્યા છે માછલીઓના મોતઃ રાપરના ડેમની ઘટના વિચારવા કરી રહી છે મજબૂર

ભુજઃ સરહદી કચ્છમાં વરસેલા ભારે વરસાદ બાદ મોટાભાગના ડેમ-તળાવોમાં નવાં નીર આવ્યા છે ત્યારે સીમાવર્તી રાપર તાલુકાના છેવાડાના જાડાવાસ ખાતેના પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા સિંચાઈ ડેમમાંથી અચાનક હજારો માછલીઓના ટપોટપ મોત થવાની ઘટનાએ દુઃખ સાથે આશ્ચર્ય પણ ફેલાવ્યું છે.
આ અંગે જાડાવાસના હરેશ ગોસ્વામીએ વાત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ-ચાર દિવસથી આ ડેમમાં કોઈ અગમ્ય કારણોસર જળચરોના મોત થઈ રહ્યા છે. અસંખ્ય રૂપકડી માછલીઓના મૃતદેહો દરરોજ ડેમના કિનારે તણાઈ આવે છે અને સંબધિત તંત્ર દ્વારા આ ગંભીર મામલાની દરકાર લેવામાં ન આવતાં જીવદયા પ્રેમીઓની લાગણી દુભાઈ રહી છે.

પીવા માટે અને સિંચાઇના કાર્ય માટે અત્યંત મહત્વના એવા આ ડેમના પાણીનો ઉપયોગ કરવો ગામ લોકોએ બંધ કરી દેતાં પાણી પુરવઠા વિભાગ તરફથી ચાર દિવસમાં માત્ર એક જ વખત ટેન્કર મારફતે પાણી અપાયું હોવાનું ગોસ્વામીએ ઉમેર્યું હતું.
વરસાદી વાતાવરણ વચ્ચે વ્યાપક બની રહેલા ચાંદીપુરા વાઇરસ ઉપરાંત મચ્છરજન્ય બીમારીઓએ માથું ઊંચક્યું છે ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક માછલીઓના મૃતદેહોનો ડેમમાંથી નિકાલ કરવામાં આવે તેવી માંગણી ગ્રામજનોએ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સરહદી કચ્છના તળાવોમાં લગભગ દર વર્ષે અગમ્ય કારણોસર હજારો માછલીઓના મોત થઇ રહ્યા છે. ગરમીમાં વધારા-ઘટાડાને કારણે અથવા તળાવમાં ઓછી થઇ ગયેલી ઓક્સિજનની માત્રાને લીધે જળચર જીવો મોતને ભેટી રહ્યા હોય તેવો તજજ્ઞોએ મત આપ્યો હતો જો કે, ગત વર્ષે શ્રીકાર વરસાદ બાદ છલોછલ ભરેલાં ભુજના હમીરસર તળાવ, રુદ્રમાતા ડેમ, અંજારના સવાસર તળાવ તેમજ માંડવી શહેરના ઐતિહાસિક ટોપણસર તળાવમાં પણ માછલીઓના ભેદી સંજોગોમાં મોત થયાં હતાં.
માછલીઓના મોત અંગે પૂછતાં જાણીતા બાયોલોજીસ્ટ ડો.પ્રણવ પંડ્યાએ જણાવ્યું હતું કે, વરસાદી પાણી સાથે અન્ય હાનિકારક તત્વોથી મિશ્રિત પાણી પણ જળાશયમાં જમા થતું હોય છે તેમજ પાણીમાં રહેલાં શેવાળ અને અન્ય પરિબળો ઓક્સિજન ગ્રહણ કરતા હોવાથી જળાશયમાં ઓક્સિજનની લેવલ નોંધપાત્ર રીતે ઘટી જવાથી અનેક માછલીઓના મોત સર્જાઈ શકે છે.
માછલીના મૃતદેહનું લેબ ટેસ્ટિંગ કર્યા બાદ જ સાચું કારણ જાણવા મળે તેમ તેમણે ઉમેર્યું હતું.