…… તો પ્રથમ વખત Porbandarના સાંસદને મળશે મંત્રીમંડળમાં સ્થાન

ગાંધીનગર : આજે 9 મી જૂનની સાંજે સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદી વડાપ્રધાન (Narendr Modi) બનીને ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. જો કે આ તબક્કે નવા મંત્રીમંડળને (New Ministry) લઈને પણ ચર્ચાઓ તેજ બની છે હાલ ગુજરાતમાંથી જે નામો ચર્ચામાં છે તેમ પોરબંદરના સાંસદ મનસુખ માંડવીયા (Mansukh Mandviya) અને ગાંધીનગરના સાંસદ અમિત શાહનું નામ ચર્ચામાં છે. જો કે હાલની ચર્ચાઓને જોતાં પરસોત્તમ રૂપાલાનું નામ આ યાદીમાંથી બહાર હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
જો કે ગત કેન્દ્રીય મંત્રીમંડળમાં આરોગ્ય મંત્રી રહી ચૂકેલા મનસુખ માંડવિયાને પુનઃ આ મંત્રીપદ મળશે એટલે પોરબંદર લોકસભા બેઠક પરથી કોઈ સૌપ્રથમ વખત કોઈ કેન્દ્રીય મંત્રી બનશે. પોરબંદર લોકસભાના વર્તમાન સાંસદ રમેશ ધડૂકનું પત્તું કાપીને ભાજપે ભાવનગરના મનસુખ માંડવિયાને પોરબંદર બેઠકના ઉમેદવાર બનાવ્યા હતા. જો કે તેમને ટક્કર આપવા કોંગ્રેસ પક્ષે લલીત વસોયાને મેદાનમાં ઉતાર્યા હતા.
પોરબંદર બેઠક પર છેલ્લા ત્રણ દાયકાઓથી ભાજપનો દબદબો છે. આ બેઠક પર 1991 માં હરિલાલ પટેલ ભાજપની ટિકિટ પરથી ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ 1996 થી 2004 સુધી ગોરધનભાઈ જાવીયા આ બેઠક પરથી જિતતા આવ્યા છે. 2004 માં પુનઃ હરિલાલ પટેલ આ બેઠક પરથી સાંસદ બને છે. 2009 ના વર્ષે તે સમયના કોંગ્રેસના દિગ્ગજ નેતા વિઠ્ઠલભાઈ રાદડિયા આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. જો કે બાદમાં તેમણે ભાજપનો સંગાથ કર્યો હતો. 2019 ની ચૂંટણીમાં આ બેઠક પરથી રમેશ ધડુક ચૂંટણી જીત્યા હતા.
માંડવીયા મૂળ ભાવનગરના પાલિતાણાના હણોલ ગામના છે. એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા મનસુખ માંડવિયા સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. તેઓ 2002 ના વર્ષે માત્ર 28 વર્ષની ઉંમરે પાલિતાણા બેઠક પરથી ચૂંટાઈને સૌથી યુવા વિધાનસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2010 માં ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના અધ્યક્ષ બન્યા. 2012 માં રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા. ત્યારબદના વર્ષોમાં ભાજપ સંગઠનમાં ઘણી મહત્વની ભૂમિકાઓ નિભાવી ચૂક્યા છે. 2018 માં ફરીથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા. વર્તમાન મોદી સરકારમાં તેઓ સ્વાસ્થ્ય મંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા હતા.