ગુજરાતની શાળાઓમાં પ્રથમ કસોટી નવરાત્રિ પહેલાં પૂર્ણ: સત્રાંત પરીક્ષા દિવાળી વેકેશન પૂર્વે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજ્યની શાળાઓમાં ધો. ૯થી ૧૨ની પ્રથમ કસોટી ગુરુવારે સત્તાવાર રીતે પૂર્ણ થઈ છે. આ સાથે રાજ્યની મોટાભાગની ખાનગી પ્રાથમિક શાળાઓમાં પણ પ્રથમ કસોટી પૂર્ણ થઈ હોવાનું જાણવા મળે છે. આમ, રાજ્યની ખાનગી પ્રાથમિક શાળાઓ અને ધો. ૯ થી ૧૨ની પ્રથમ કસોટી પૂર્ણ થઈ છે. જ્યારે સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં હવે પછી પ્રથમ કસોટીનો પ્રારંભ થશે. શાળાઓ દ્વારા પરીક્ષા પૂર્ણ થતાં ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને નવરાત્રીના તહેવારો બાદ પરિણામ જાહેર કરવાનું આયોજન કર્યું છે.
શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા એકેડેમિક કેલેન્ડર અનુસાર ધો. ૯ થી ૧૨ની પ્રથમ કસોટીનો તા.૩જી ઑક્ટોબરથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યની તમામ ધો. ૯થી ૧૨ની શાળાઓમાં નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર પરીક્ષા શરૂ થઈ હતી અને ગુરુવારે પરીક્ષા પૂર્ણ થઈ છે. આમ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની પ્રથમ કસોટી સત્તાવાર રીતે પૂર્ણ થઈ છે. પરીક્ષા પૂર્ણ થતાં હવે ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આગામી દસથી પંદર દિવસમાં પરિણામ જાહેર કરવામાં આવશે. જીસીઈઆરટી દ્વારા પ્રાથમિક શાળાઓમાં લેવામાં આવનારી પ્રથમ સત્રાંત કસોટી અંગે એક માસ પહેલા કાર્યક્રમ જાહેર કરાયો હતો. ત્યારબાદ આ જ કાર્યક્રમને મંજૂર કરી ફાઇનલ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જે મુજબ સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં પ્રથમ સત્રાંત કસોટીનો તા. ૨૬મી ઑક્ટોબરથી પ્રારંભ કરાશે અને તા.૪થી નવેમ્બરના રોજ પૂર્ણ થશે. તા.૯મી નવેમ્બરથી દિવાળી વેકેશનનો પ્રારંભ થવાનો હોવાથી તે પહેલાં તમામ પરીક્ષાઓ પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. ૨૧ દિવસનું વેકેશન તા. ૨૯મી નવેમ્બર સુધીનું રહેશે અને ત્યારબાદ તા.૩૦મી નવેમ્બરથી શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરાશે.