પ્રથમ વરસાદમાં જ મહાનગર અમદાવાદની મુશ્કેલીમાં વધારો

અમદાવાદ: આજે મેઘરાજા અમદાવાદમાં મનમૂકીને વરસ્યા હતા. બપોરથી શરૂ થયેલા વરસાદના લીધે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઘણા વિસ્તારોમાં તો નદીના વહેણ ચાલતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જો કે આ વરસાદે મહાનગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીના લીરે લીરા ઉડાડી દીધા છે. શહેરના 5 અંડરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે.
આજે અમદાવાદમાં મેઘરાજાએ ભારે હેત વરસાવ્યું હતું અને ખૂબ સારો વરસાદ ખાબક્યો છે. આજ બપોરથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જો કે સાંજ સુધીમાં સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આજે સૌથી વધુ વરસાદ શહેરના પશ્ચિમ વિસ્તાર ગોતા, સેટેલાઈટ, બોપલમાં છ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યાંરે પૂર્વ વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યો છે. આ સાથે અમદાવાદમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.
આ પણ વાંચો : ભારે વરસાદના લઈને દ્વારકાનાં જગતમંદિરે અડધી કાઠીએ ચડાવાશે ધ્વજા
ભારે વરસાદને લઈને શહેરના અનેક અંડરબ્રિજમાં પાણી ભરાયા છે પાણી ભરાઈ જવાના લીધે મીઠાખડી, અખબારનગર, મકરબા અને ગોતા સિલ્વર સ્ટાર સહિતના અંડરબ્રિજને બંધ કરી દેવામાં આવ્યા છે. ગોતા વૃંદાવન હાઇટ્સ પાસે પોચાણવળી માટીમાં બે એએમટીએસ બસ ફસાઈ ચૂકી છે. તો સાથે જ શેલામાં ટ્રક સમય જાય તેટલો મોટો ભૂવો પડ્યો છે.
જો કે હાલ વરસાદે વિરામ લઈ લીધો હોવા છતાં અમદાવાદમાં પાણી ઓસર્યા નથી. ધરોઇ ડેમમાંથી છોડાઇ રહેલા પાણીના લીધે સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. ભારે વરસાદની વચ્ચે વાસણા બેરેજના ચાર દરવાજાઓ ખોલવામાં આવ્યા છે. ચાર દરવાજાઓને 3 ફૂટ સુધી ખોલીને 7124 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.