ભૂલકાંઓ જ્યાં જાય છે તે પ્રિ-સ્કૂલની સુરક્ષાના નામે મીંડુ, ફાયર સેફ્ટીની સુવિધા જ નથી
અમદાવાદઃ પ્રિ-સ્કૂલ ખોલવી છે તો માત્ર એક જ શરત છે કે ઘરમાં એક રૂમ એકસ્ટ્રા હોવો જોઈએ અથવા તો થોડી જગ્યા એકસ્ટ્રા હોય તો પ્રિ-સ્કૂલ ખોલી નાખવાની અને બાળકોને બે-ચાર રમકડાં આપવાના, બે રાઈમ્સ ગવડાવવાની અને નાસ્તો પાણી કરી ઘરે પાછા. બાળકની મનોસ્થિતિ વિશે જાણકારી મેળવી, નિષ્ણાતોની મદદથી તેમને તે રીતે ટ્રેઈન કરતી પ્રિ-સ્કૂલ ઘણી ઓછી છે. પણ આ સાથે સૌથી મોટો પ્રશ્ન છે તેમની સુરક્ષાનો.
અમદાવાદ શહેરની જ વાત કરીએ તો અહીં વિવિધ વિસ્તારોમાં પતરાના શેડમાં ફાયર એનઓસી અને બીયુ મેળવ્યા વિના જ પ્રિ-સ્કુલો ધમધમતી રહી છે. અમદાવાદ શહેરમાં મોટા ભાગની પ્રિ-સ્કુલો સોસાયટીઓના બંગલા કે મકાનોમાં ચાલે છે. સોસાયટીઓમાં આવેલાં મકાનો અને પતરાંના શેડ ઊભા કરીને શરૂ કરી દેવામાં આવે છે. મોટા ભાગની પ્રી-સ્કૂલો કોમર્શિયલ પ્રોપર્ટી તરીકે રિજસ્ટર્ડ જ નથી તેવા અહેવાલો વહેતા થયા છે.
Read more: પેટાચૂંટણીમાં ચૂંટાયેલ ગુજરાતના ધારાસભ્યોમાંથી આ બે છે મંત્રીપદની રેસમાં
રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ અમદાવાદ મનપા ફાયર એનઓસી અને બીયુ નહીં ધરાવનાર મિલકતો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમ છતાં શહેરના વિવિધ વિસ્તારોમાં બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલી લગભગ પાંચ હજાર પ્રિ- સ્કુલોમાં માસૂમ બાળકોની સુરક્ષા ભગવાન ભરોસે છે. શહેર મનપા દ્વારા નવ મીટરની ઊંચાઈ ધરાવતી મિલકતો માટે ફાયર એનઓસી મેળવવી ફરજિયાત ન હોવાના નિયમનો ભરપૂર દુરૂપયોગ કરીને શહેરમાં રહેણાંક વિસ્તારોમાં જ ઠેર ઠેર પતરાંના શેડ ઉભા કરીને ચાલી રહેલી પ્રિ- સ્કુલોનો રાફડો ફાટી નીકળ્યો છે.
નવ મીટરથી નીચેની ઇમારતમાં કોઈ ફાયર એનઓસી ન લેવાનો નિયમ હોવાથી એનઓસી લેવામાં આવતી નથી પરંતુ સુરક્ષાને લઈને ફાયર સેફ્ટીના સાધનો લગાવવાના હોય છે. જોકે, મોટા ભાગની સ્કૂલોમાં સાધનો છે કે નહીં તેની દરકાર કોઈ કરતું નથી. આવી પ્રિ- સ્કુલોમાં ફક્ત એક જ દરવાજો હોય છે.
આવા સંજોગોમાં આગ- અકસ્માતની ઘટના સર્જાય તો તેવી પરિસ્થિતિમાં નાના બાળકોને કેવી રીતે બહાર કાઢવા? તેના માટે જવાબદાર કોણ? ફાયર સેફ્ટી સાધનો વિના અને ફાયર એઓસી વિના આ બાળકો અને અહીંના સ્ટાફની સુરક્ષાની જવાબદારી કોણ લેશે તેવા પ્રશ્નોના જવાબ કોઈ પાસે નથી. શહેરના વિવિધ વિસ્તારોમાં કોઈપણ સોસાયટી કે બંગલામાં આવેલા મકાનોમાં આગળ નાનું ગાર્ડન જેવું બનાવી અને પ્રિ-સ્કૂલો શરૂ કરી દેવામાં આવી છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં સ્નેહ પ્લાઝા રોડ પર, શાહીબાગ ગિરધરનગર સહિતના વિસ્તારમાં પ્રિ-સ્કૂલો આવેલી છે.
Read more: ગુજરાતમાં અચાનક 4 IAS અધિકારીની કરી નાખી બદલી, શું છે સિક્રેટ?
જે સોસાયટીઓમાં આવેલા મકાનોમાં ચાલે છે. જેમાં કોઈ અઘટિત ઘટના બને તો જીવ જોખમમાં મૂકાઈ શકે છે. આ મામલે માતા-પિતાએ પણ સતર્ક રહેવાની જરૂર છે. તમારા ભૂલકાંઓને જ્યાં મોકલો છો ત્યાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા છે કે નહીં તે જોઈને જ મોકલવા જોઈએ.