સુરતમાં આપ કોર્પોરેટરના બંગલામાં આગ: પુત્રનું મોત, છ સભ્યએ કૂદી જીવ બચાવ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા બંગલામાં આગ લાગતાં આપના કોર્પોરેટર જિતેન્દ્ર કાછડિયાના પુત્રનું મોત નીપજ્યું હતું. ઘરમાં આગ લાગવાના કારણે પરિવારના છ સભ્ય બાજુના ઘરમાં કૂદી પોતાનો જીવ બચાવી લીધો હતો. આગ લાગી હોવાનો કોલ ફાયર વિભાગને કરવામાં આવતા કાફલો ઘટનાસ્થળે પહોચી ભારે મહેનત બાદ આગ પર પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવ્યો હતો. સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી આનંદધારા સોસાયટીમાં આમ આદમી પાર્ટી (આપ)ના કોર્પોરેટર જિતેન્દ્ર કાછડિયા ગ્રાઉન્ડ પ્લસ બે માળના મકાનમાં રહે છે. પહેલા માળે કોઈ નહોતું અને આખો પરિવાર બીજા માળે સૂતો હતો. દરમિયાન રાત્રે બે વાગ્યા આસપાસ પહેલા માળે અચાનક આગ ફાટી નીકળી હતી. આગે ભીષણ રૂપ ધારણ કરી ધુમાડો આખા ઘરમાં પ્રસરી ગયો હતો. બીજા માળે જિતેન્દ્ર કાછડિયાના પરિવારના સાત સભ્ય સૂતા હતા. આગની ઘટનાની જાણ થતાં આખા પરિવારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. એક બેડરૂમમાં પ્રિન્સ અને તેનો ભાઈ સૂતા હતા, જેને તેના કાકાએ ધુમાડાની વચ્ચે જઈને જગાડ્યા હતા. ત્યાર બાદ તમામે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે નીચે ઊતરી શકાય એવી સ્થિતિ ન હતી. પરિવારના છ સભ્યએ બાજુમાં આવેલા મકાનના ધાબા પર કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. દરમિયાન પ્રિન્સ ધુમાડાને કારણે બહાર નીકળી શક્યો નહોતો અને ત્યાં જ ફસાઈ ગયો હતો. દરમિયાન આગ લાગી હોવાનો કોલ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગે ભારે મહેનત બાદ આગ પર પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવી લીધો હતો. દરમિયાન બીજા માળેથી પ્રિન્સ ગંભીર હાલતમાં મળી આવ્યો હતો, જેને તાત્કાલિક સ્મિમેર હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો. ઉ