ફાયર વિભાગે એમ.એસ. યુનિવર્સિટીના ટેકનોલોજી ફેકલ્ટીનું વીજ જોડાણ કાપ્યું

વડોદરા : રાજકોટ અગ્નિકાંડ દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યના ફાયર સેફટીની ઝુંબેશ ચાલી રહી છે. જેના પગલે વડોદરામાં પણ ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફટીને લઈને ચાલુ કરેલી ઝુંબેશમાં એમ. એસ. યુનિવર્સિટીની ઘોર બેદરકારી સામે આવી હતી. એમ. એસ. યુનિવર્સિટીના ટેકનોલોજી વિભાગનું વીજ જોડાણ ફાયર બ્રિગેડ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન નહીં કરવાને લીધે કાપી નાખવામાં આવ્યું છે પરંતુ સત્તાધીશોની ફાયર સેફટીને લઈને કરવામાં આવતી ઘોર ઉપેક્ષાને લઈને હવે અન્ય ફેકલ્ટીઓના પણ વીજજોડાણ કાપવામાં આવે તેવી શક્યતા છે.
ફાયર બ્રિગેડના અધિકારી અમિત ચૌધરીએ આ બાબતે જણાવતા કહ્યું હતું કે, ફાયર વિભાગે યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઑ અને પરિસરની ૩૨ બિલ્ડિંગોમાં ફાયર સેફટીના ધારાધોરણોનું પાલન ન કરાયું હોવાની નોટિસ યુનિવર્સિટી વાઇસ ચાન્સેલરને મોકલી હતી. પરંતુ યુનિવર્સિટી તરફથી તેનો કોઈ જવાબ મળ્યો નહતો. આથી ફાયર વીભાગે એપ્રિલ મહિનામાં બીજી નોટિસ ફટકારી હતી. આમ છતાં યુનિવર્સિટીએ હજુ સુધી ફાયર એનઓસી લેવા માટે કોઈ જ કાર્યવાહી નહીં કરી હોવાથી નાછૂટકે ગઇકાલે ટેકનોલોજી ફેકલ્ટીનું વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : રાજકોટ અગ્નિકાંડ દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યના ફાયર સેફટીની ઝુંબેશ ચાલી રહી છે.
ફાયર વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે આગામી દિવસોમાં પણ ફાયર બ્રિગેડની ટીમો પોતાની કાર્યવાહી ચાલુ રાખશે. ત્યારે અન્ય ફેકલ્ટીઓન વીજ જોડાણ પણ કાપી નાખવામાં આવશે. જો તંત્ર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો યુનિવર્સિટીમાં ઉત્તરવહીઓની ચકાસણી, પરિણામો તૈયાર કરવાની કામગીરી તેમજ નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ આપવાની કામગીરી ખોરંભે ચડી જશે. સાથે જૂન મહિનામાં શરુ થનારા નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડી શકે છે.
એમ. એસ. યુનિવર્સિટીમાં ફાયર વિભાગ દ્વારા બે-બે વખત નોટિસ આપી હોવા છતાં આજદિન સુધી કાર્યવાહી કરવામાં આવી નથી. પરંતુ હવે જ્યારે વીજ જોડાણ કાપી નાખતા વાઇસ ચાન્સેલર મ્યુનિસિપલ કમિશનરને મળવા ગયા હતા. જો કે હવે આગામી સમયમાં યુનિવર્સિટી શું પગલાં લે છે તે જોવું રહ્યું.