આખરે લેખિત પરીક્ષા રદ કરાઇ
જેટકોમાં ભરતી પરીક્ષાનું પોલમપોલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત સરકારની વીજ કંપની જેટકોમાં વિદ્યુત સહાયકોની ભરતીને લઇને થયેલો વિવાદ આખરે શાંત પડવાના અણસાર આપી રહ્યો છે. જેટકોની ભરતી માટેની સમગ્ર પ્રક્રિયા રદ કરીને નવેસરથી પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા લેવાની સત્તાધીશોએ જાહેરાત કરી હતી. જેની સામે અગાઉની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમ છતાં સત્તાધીશોએ પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષાની તારીખો જાહેર કરી હતી. જો કે, ઉમેદવારોએ કરેલા વિરોધની સામે આખરે સત્તાધીશોએ મન મૂકીને ફક્ત પોલ ટેસ્ટ યથાવત્ રાખ્યો છે. આ સાથે તા.૭મી જાન્યુઆરીના રોજ લેવામાં આવનારી લેખિત પરીક્ષા રદ કરી હતી.
જેટકોએ આપેલી સત્તાવાર જાણકારી અનુસાર જેટકો દ્વારા તા.૨૮ અને તા. ૨૯મીના રોજ તમામ ઉમેદવારો માટે પોલ ટેસ્ટ રાબેતા મુજબ લેવામાં આવશે. આ સાથે જે ઉમેદવારોએ અગાઉ તા.૯ મી સપ્ટેમ્બરના રોજ લેખિત પરીક્ષા આપી હતી તેવા ઉમેદવારોની લેખિત પરીક્ષા હવે લેવામાં નહીં આવે. પરંતુ જે ઉમેદવારો અગાઉના પોલ ટેસ્ટમાં પાસ થયા નહોતા તેવા ઉમેદવારો જો નવેસરથી લેવાઈ રહેલા પોલ ટેસ્ટમાં પાસ થશે તો તો તેવા ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપવાની રહેશે. સત્તાધીશોએ લેખિત પરીક્ષા રદ કરતા વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી હતી કે, હક અને ન્યાય માટે લડનારા તમામ યોદ્ધાઓને અભિનંદન, ઉમેદવારોની એકતાની આ જીત છે. અગાઉ ઉમેદવારોએ આંદોલન દરમિયાન પોલ ટેસ્ટ ફરી લેવાય પરંતુ લેખિત પરીક્ષા ના લેવાય તેવી રજૂઆત કરી હતી અને તેના ઉપર સત્તાધીશોએ વિચારણા કરવાની ખાતરી આપી હતી.