દિવાળીમાં અમદાવાદમાં પચાસ ડોક્ટર આપશે ઈમર્જન્સી સેવા, જાણો કોણે કરી જાહેરાત
દિવાળી દરમિયાન અમદાવાદમાં 50 ડોક્ટરો આપશે ઇમરજન્સી સેવા, AMAની વેબસાઇટ પરથી ડોક્ટરોની માહિતી મેળવી શકાશે
દિવાળીના તહેવાર દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ લોકોને તબીબી સેવા મળતી રહે તેવા ઉદ્દેશ્યથી અમદાવાદ મેડિકલ એસોસિએશન અને અમદાવાદ ફેમીલી ફિઝીશીયન એસોસિએશનને 11થી 15 નવેમ્બર દરમિયાન ‘ડોક્ટર્સ ઓન કોલ’ સેવાનું આયોજન કર્યું છે. જેના હેઠળ અમદાવાદમાં 53 તબીબો ઇમરજન્સી સેવા માટે ઉપલબ્ધ રહેશે.
અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રેસિડન્ટ ડોક્ટર તુષાર પટેલ અને મીડિયા કોઓર્ડિનેટર મુકેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારોમાં તબીબી સેવાની જરૂર પડે તો તેવી સ્થિતિમાં અમદાવાદ મેડીકલ એસોસિએશને એક પહેલ કરી છે જેમાં એસોસિએશનના સોશિયલ મીડિયા પેજ તથા વેબસાઇટ પર 50 ડોક્ટરોનું નામ, મોબાઇલ નંબર, તેમનો વિસ્તાર અને તારીખો સાથે માહિતી ઉપલબ્ધ રહેશે. દિવાળીના તહેવારોમાં લોકો ફટાકડા ફોડીને સેલિબ્રેશન કરતા હોય છે એવામાં પ્રદૂષણનું પ્રમાણ વધતા શ્વાસના રોગો સહિતની બિમારીઓ થઇ શકે છે. તો બીજી બાજુ આગની ઘટનાઓ, દાઝવાની ઘટનાઓ પણ જોવા મળતી હોય છે, ત્યારે લોકોને તાત્કાલિક તબીબી સહાય મળી રહે તે માટે આ માહિતી એસોસિએશનની વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.
બીજી બાજુ 108 સહિતની એમ્બ્યુલન્સ સેવાઓ પણ ખડેપગે રહેશે. ઇમરજન્સી કેસમાં ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા માટે 108 ઇમરજન્સી સેવા દ્વારા પણ વિશેષ વ્યવસ્થા ગોઠવાઇ છે.