મોડાસામાં ટ્રકમાં ભીષણ આગ, એક બાળક અને 2 પુરુષો સહિત 150 પશુઓના મોત
અરવલ્લી જિલ્લાના મોડાસામાં ભીષણ આગ દુર્ઘટના સર્જાઇ છે. શામળાજી હાઇવે પાસે આવેલા બામણવાડ ગામ નજીકથી ઘેટાં-બકરાં ભરેલી એક ટ્રક પસાર થઇ રહી હતી ત્યારે વીજતારને અડી જતા ટ્રકમાં એકાએક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. ટ્રકમાં સવાર 150 જેટલા પશુઓ સહિત એક બાળક અને 2 પુરુષો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે.
ઘટનાની જાણ થતા જ મોડાસા ફાયરબ્રિગેડની 2 ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. કોઈપણ માલ વાહન હોય તેની ઊંચાઈથી લઈ દરેક પ્રકારના માપદંડ નક્કી હોય છે ત્યારે તેનું યોગ્ય પ્રમાણ ન જળવાય તો ક્યારેક મોટી દુર્ઘટના સર્જાતી હોય છે. આ ઘટનામાં પણ પશુઓ ભરેલી ટ્રક ઓવરહેડ જીવંત વીજતારને અડકી જતા ટ્રકમાં આગમાં સળગી ઉઠી હતી. બકરાની જાળવણી માટે ટ્રકમાં રહેલા એક બાળક સહિત ત્રણ લોકો પણ આગની જ્વાળામાંથી બહાર નીકળી ન શક્યા અને આગમાં બળી જવાના કારણે ત્રણેયનાં મોત નીપજ્યાં હતાં.
સંપૂર્ણ ઘટનાની જાણ મોડાસા નગરપાલિકા ફાયર વિભાગને કરાઈ અને પાલિકા ફાયર વિભાગના અધિકારી હેમરાજસિંહ વાઘેલા સહિતનો સ્ટાફ 2 ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. મોડાસા અને ટીંટોઇ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે.