પંચમહાલમાં એક રાતમાં ત્રણ જગ્યાએ ભીષણ આગ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: પંચમહાલમાં શનિવારે મોડી રાત્રે ત્રણ જગ્યાએ આગ ફાટી નીકળી હતી. ગોધરા શહેરના અમદાવાદ હાઇવે માર્ગ ઉપર સીમલા વિસ્તારમાં અને લાલબાગ બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં આગ લાગવાના બે બનાવો બનતા ગોધરા શહેરમાં અફડાતફડી મચી ગઈ હતી. જ્યારે ત્રીજી ઘટના હાલોલના પાનેલાવ ગામે બરોડા એગ્રો કેમિકલ્સ કંપનીમાં આગ લાગી હતી. ચાર ફાયર ટીમે ચાર કલાકે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ગોધરા શહેરના અમદાવાદ હાઇવે માર્ગ પર સિમલા વિસ્તાર નજીકમાં આવેલા લાકડાનાં ગોડાઉનમાં શનિવારે મોડી રાત્રે ભીષણ આગ લાગતા અફડાતફડી મચી ગઇ હતી. જોતજોતામાં જ લાકડાનાં ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગોડાઉનની બહાર રાખવામાં આવેલી એક સ્ક્રેપ ટ્રકની કેબિન પણ આગની ઝપેટમાં આવતા બળીને ખાખ થઈ ગઈ હતી.
સ્થાનિક લોકોએ તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી કલાકોની જેહમત બાદ આગને કાબૂમાં લીધી હતી. સદ્નસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. બીજી ઘટના ગોધરા શહેરના લાલબાગ બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં શનિવારે મોડી રાત્રીએ આગ લાગવાની ઘટના બની હતી. જેમાં કોમ્પ્લેક્સના ત્રીજા માળે રીનોવેશનની કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યાં વેલ્ડિંગની કામગીરી દરમિયાન શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ હતુ. સદ્નસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
ત્રીજી ઘટના જિલ્લાના હાલોલ ઔદ્યોગિક એકમમાં આવેલી એક કેમિકલ્સ કંપનીમાં આગ લાગતા લિક્વિડ પેસ્ટીસાઈડનું આખું યુનિટ આગમાં ભડભડ સળગી ઉઠતા ચાર જેટલા ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. મોડી રાત્રે બે વાગ્યે આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો.