કચરામાંથી કંચનઃ ગુજરાતમાં ૩ વર્ષમાં કચરામાંથી ૨૭,૭૩૫ મેટ્રિક ટન ખાતર બનાવવામાં આવ્યું
ગાંધીનગર: પ્રદૂષણ એ આજે સૌથી મોટી વૈશ્વિક ચિંતાઓમાંની એક છે. હકીકતમાં, વિવિધ કારણોસર વધતું પ્રદૂષણ માત્ર હવા, પાણી અને જમીનને પ્રદૂષિત નથી કરી રહ્યું. બલ્કે, તે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મોટી સંખ્યામાં નાગરિકોના આરોગ્ય પર અસર કરી રહ્યું છે. નિષ્ણાતો વિશ્વભરમાં વધી રહેલા કેટલાક ગંભીર રોગો માટે પ્રદૂષણને જવાબદાર માને છે. આવી સ્થિતિમાં પ્રદૂષણને અંકુશમાં લેવા માટે દરેક શક્ય પ્રયાસો કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. ગુજરાત સરકારના માર્ગદર્શનમાં અને GPCB બોર્ડ દ્વારા ઔધોગિક જોખમી કચરાનું યોગ્ય નિકાલ બાબતે થયેલી અભૂતપૂર્વ કામગીરીના પરિણામે ગુજરાત સમગ્ર દેશમાં ‘ટોપ પર્ફોમર’ રાજ્ય બની રહ્યું છે.
રાજ્યમાં એક દિવસમાં સરેરાશ ૨૮ મેટ્રિક ટન ઘરગથ્થુ ઘન કચરો એકત્રિત કરવામાં આવે છે. જે પૈકી સરેરાશ ૨૫ મેટ્રિક ટન કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિ ઢબે યોગ્ય નિકાલ કરવામાં આવી રહ્યો છે. આ કચરાને રિસાયક્લિંગ કરી તેનો ખાતર બનાવવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતે અંદાજિત ૩૦,૦૭૩ મેટ્રિક ટન કચરાને એકત્રિત કરી ૨૭,૭૩૫ મેટ્રિક ટન ઘન કચરાને ખાતર બનાવવામાં આવ્યું છે. જેમાં વર્ષ ૨૦૨૧-૨૨માં કુલ ૧૦,૩૨૦ મેટ્રિક ટન ઘરગથ્થુ ઘન કચરાને એકત્રિત કરી ૯,૦૩૧ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરાયો હતો. જ્યારે વર્ષ ૨૦૨૨-૨૩માં ૯,૪૩૬ મેટ્રિક ટન કચરા પૈકી ૯,૮૩૨ મેટ્રિક ટન કચરાનો નિકાલ, વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૦,૩૧૭ મેટ્રિક ટન ઘન કચરો એકત્રિત કરી ૮,૮૭૨ મેટ્રિક ટન કચરાને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો છે.
જોખમી કચરાનો નિકાલ
GPCB કો-પ્રોસેસીંગનો કોન્સેપ્ટ અપનાવવમાં સમગ્ર દેશમાં અગ્રેસર છે. કચરામાંથી કંચનના અભિગમ હેઠળ ઔદ્યોગિક ઘન કચરો સિમેન્ટ ઉદ્યોગની અંદર બળતણ અથવા કાચામાલ તરીકે ઉપયોગમાં લેવાય છે. જે અંતર્ગત વર્ષ ૨૦૦૯ થી માર્ચ-૨૦૨૪ સુધીમાં ૪૫.૬૩ મિલિયન મેટ્રીક ટનથી વધુ કચરાનો કો-પ્રોસેસીંગ થકી સિમેન્ટ ઉદ્યોગોમાં નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ૦૬ મિલિયન મેટ્રીક ટનથી વધુ કચરાનો સિમેન્ટ ઉદ્યોગોમાં નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વર્ષ ૨૦૦૯ થી માર્ચ-૨૦૨૪ સુધીમાં રાજ્યમાં સિમેન્ટ કિલ્નમાં આશરે ૯૪ લાખથી વધુ મેટ્રીક ટન પ્લાસ્ટિક કચરાનો પણ કો-પ્રોસેસીંગ થકી નિકાલ કરાયો છે.
Also Read…..અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટનું જોખમ ટાળવા અપનાવાશે આ યુક્તિ
લીગસી વેસ્ટ
જે ઘરગથ્થુ ઘન કચરાનો સમયસર અને યોગ્ય નિકાલ નથી કરવામાં આવતો, તે ઘન કચરો લીગસી વેસ્ટમાં પરિવર્તે છે, જેના થકી પ્રદૂષણમાં વધારો થાય છે. આ પ્રદૂષણને અટકાવવા છેલ્લા એક વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા કુલ ૨૫૪.૨૫ લાખ મે.ટન લીગસી વેસ્ટનું યોગ્ય વર્ગીકરણ અને વ્યવસ્થાપન કરીને તેનો સમયસર નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ અમદાવાદ મહાનગરપાલિકાએ અંદાજીત ૧૨૫ લાખ મે.ટન લીગસી વેસ્ટનો નિકાલ કર્યો છે.