મહેસૂલી પ્રશ્નોના હકારાત્મક નિકાલ માટે ફીડબેક સેન્ટર શરૂ: 36 સેવાઓ માટે લેવાશે પ્રતિભાવ

ગાંધીનગર: ના સચિવાલય ખાતે આવેલા મહેસૂલ વિભાગ દ્વારા વિભાગ ખાતે એક ફીડબેક સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું રાજયના મુખ્ય સચિવ રાજકુમાર દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માહિતી આપતા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું કે મહેસૂલ વિભાગ દ્વારા iORAના માધ્યમથી મહેસૂલી સેવાનો લાભ મેળવેલ નાગરિકો પાસેથી તેમનો પ્રતિભાવ મેળવવા માટે મહેસૂલ વિભાગ ખાતે આ ફીડબેક સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે આ ફીડબેક સેન્ટર ખાતે નિયુકત મહેસૂલમિત્ર દ્વારા હાલ iORA પોર્ટલ પરથી અરજી કરવામાં આવેલ અને જે અરજીનો નિકાલ થયેલ હોય તેવી બિનખેતીની અરજી, હયાતીમાં હક્ક દાખલ અરજી, વારસાઇની અરજી, ખેડૂત ખરાઇ પ્રમાણપત્રની અરજી સહિતની કુલ ૩૬ સેવાઓ મેળવવા બાબતે નાગરિકોનો પ્રતિભાવ મેળવવામાં આવશે. મહેસૂલ વિભાગના આ iORA પોર્ટલ ઉપર અરજી કરતાં સમયે અરજદારોને પડેલ મુશ્કેલીઓનું નિરાકરણ થાય તે માટે સાચા અર્થમાં આ સેવાઓમાં સુધારો કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ પણ વાંચો : ગાંધીનગરમાં બે યુનિવર્સિટીઓને Bomb થી ઉડાવી દેવાની ધમકી, પોલીસે તપાસ શરૂ કરી
વધુમાં જણાવ્યું હતું કે iORA પોર્ટલ મારફતે મળેલ અરજીઓ અન્વયે નાગરિકોના નિયમિત પ્રતિભાવ મેળવ્યા બાદ મળેલ પ્રતિભાવના વિશ્લેષણ થકી સેવાઓને વધુ અસરકારક બનાવવામાં આવશે. આવશ્યક જણાય ત્યાં સેવાઓનું સરળીકરણ કરી નાગરીકોને ત્વરિત સેવાઓનો લાભ મળી રહે તે દિશામાં આગળ વધવામાં આવશે.
આ ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ, જમીન સુધારણા કમિશનર પી. સ્વરૂપ સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.