વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ચકચાર

વેરાવળ: ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતેની ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સોમવારે વહેલી સવારથી જ ભારે દોડધામ મચી ગઈ હતી. એક ઈ-મેઈલ દ્વારા આ ધમકી આપવામાં આવી હતી, જેના પગલે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે કોઇ વાંધાજનક વસ્તુ મળી ન હતી.
ધમકીભર્યો મેઈલ મળતાંની સાથે જ, સુરક્ષાના ભાગરૂપે સમગ્ર કોર્ટ પરિસરને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યું હતું. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફને તૈનાત કરવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસવડા, સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
આ પણ વાંચો: વડોદરામાં શાળા બાદ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ દોડતી થઈ…
સ્થિતિની ગંભીરતાને જોતા, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફાયર વિભાગની ટીમો પણ તાત્કાલિક વેરાવળ કોર્ટ પરિસરે પહોંચી હતી. બોમ્બ સ્ક્વોડ દ્વારા કોર્ટના દરેક ખૂણે ખૂણાની તપાસ શરૂ કરવામાં આવી હતી. કોર્ટ પરિસરમાં સામાન્ય રીતે 150થી વધુ વકીલો અને અન્ય સ્ટાફ કાયમી ધોરણે હાજર રહેતો હોય છે. આ ધમકીભર્યા મેઈલને કારણે વકીલો અને કોર્ટ સ્ટાફમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાને પગલે મોટી સંખ્યામાં વકીલો અને કોર્ટનો સ્ટાફ કોર્ટ પરિસરની બહાર એકઠો થયો હતો.