ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી બાદ પુરુષોત્તમ રૂપાલા ઉપર હુમલાની આશંકા?
રાજકોટ: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદાસ્પદ નિવેદનથી સમગ્ર ક્ષત્રિય સમાજમાં જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે. પુરુષોત્તમ રૂપાલાએ તાજેતરમાં રાજકોટમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી બાદ ભારે વિરોધ વંટોળ ફાટી નીકળ્યો છે.
ઉલ્લેખનીય બાબત છે કે, ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અભદ્ર ભાષા વાપરી સમાજને ઉશ્કેરી હાલના આચારસંહિતાનો ભંગ કરેલો હોવાનું ઉમેદવારી પત્ર પણ રદ થવું જોઈએ તેવી માંગ ઉઠી છે આ દરમિયાન પુરુષોત્તમ રૂપાલા પર હુમલો થવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. એક મહત્વની એજન્સીએ તકેદારીના ભાગરૂપે સુરક્ષા વધારવા ભલામણ કરી છે. પોલીસની મહત્વની એજન્સીએ તાત્કાલિક અસરથી તેમની સુરક્ષા વધારવા માટે રિપોર્ટ આપ્યો છે.
સુરક્ષા એજન્સી દ્વારા તકેદારીના ભાગરૂપે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હોય તેવું સૂત્રોએ જણાવ્યું છે. જેમાં ભૂતકાળના બનાવને ધ્યાનમાં રાખીને પુરુષોત્તમ રૂપાલાની સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત બનાવવા ભલામણ કરી છે. જો કે, હજુ સુધી સુરક્ષા વધારવા બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ ટૂંક સમયમાં રૂપાલાની સુરક્ષા વધારવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.
ભાજપ પ્રાદેશ પ્રમુખ સી આર પાટીલે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ પ્રશ્નનું સુખદ સમાધાન આગામી 24 કલાકમાં આવી જશે. જેના માટે સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના આગેવાનોને તેમણે પહેલ કર્યાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સંભવિત રીતે મોટા ગજાના આગેવાનની આગેવાનીમાં આજે રાત્રે ક્ષત્રિય સમાજની એક બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે.