આપણું ગુજરાત

પિતાની માત્ર 90 રૂપિયાની ગિફ્ટએ બાળકોને નોધારા કરી મૂક્યા, વાપીમાં ચોંકાવનારો કિસ્સો

વાપીઃ પતિ-પત્ની વચ્ચે ઝગડા ખૂબ જ સામાન્ય વાત કહેવાય છે અને બે જણ વચ્ચે થતી બોલાચાલીને કોઈ ગંભીરતાથી લેતું નથી. પણ આવા નાના ઝગડા ક્યારે મોટું સ્વરૂપ લઈ લે તે ખબર રહેતી નથી અને ન થવાનું તે થઈ જાય છે. આવી જ ઘટના વાપીના એક પરિવારમાં બની છે. અહીં પિતાએ બાળકો માટે ગિફ્ટ ખરીદી ત્યારે તેને સ્વપનેય ખ્યાલ નહીં હોય કે આ ગિફ્ટને કારણે બન્ને માસૂમ બાળકો અનાથ જેવા થઈ જશે.

અહીનાં તુલસી બિંદ અને તેમના પત્ની નીતાએ સાતેક વર્ષ પહેલા ઘરપરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા. તેમને બે સંતાનો હતા અને પરિવાર સુરત, મુંબઈ બધે કામકાજ માટે રહી હવે વાપીના લવાછા વિસ્તારમાં રહેતો હતો અને રોજમદાર તરીકે નોકરી કરી તુલસી પરિવારનું પેટ ભરતો હતો. જોકે તેમની પત્ની સાથે નાનીનાની વાતમાં બોલાચાલી થતી હતી. થોડા દિવસો પહેલા તુલસીએ ઓનલાઈન શોપિંગ એપ પરથી બાળકો માટે માત્ર રૂ. 90માં બે ઘડિયાળ ખરીદી હતી.

આ ઘડિયાળનું પાર્સલ ઘરે આવ્યું જે પત્ની નીતાએ લીધું હતું. પતિ ઘરે આવતા નીતાએ આ મામલે પતિ સાથે ઝગડો કર્યો હતો અને મને પૂછ્યા વિના આ ખરીદી કેમ કરી તે મામલે બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ઘટનાના ત્રણ દિવસ સુધી સતત નીતા તુલસીને કથિત ત્રાસ આપતી હોવાથી રોષમાં ભરાઈ તુલસીએ નીતાનું ગળું દબાવ્યું હતું જેમાં નીતાનું મોત થયું હતું. મોત બાદ પતિ પોતાના બન્ને સંતાનોને લઈ તેને પેટ ભરીને જમાડ્યા બાદ પોલીસ સ્ટેશન ગયો હતો અને ત્યાં આખી વાત કરી સરેન્ડર કરી દીધું હતું. પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈ કાર્યવાહી કરી હતી. આ રીતે માતાનું મૃત્યુ થયું અને પિતા હવે જેલમા જશે ત્યારે બન્ને માસૂમો માત્ર ત્રણ દિવસમાં રૂ. 90ની ગિફ્ટના કારણે નોધારા થઈ ગયાની કરૂણ ઘટના ઘટી છે.

ગુસ્સો ભલે ક્ષણિક હોય તેમ છતાં તે વિનાશ નોતરે છે. આ સાથે રોજની કચકચ કે મનભેદ અને ઝગડા ઘણીવાર મોટી આફત લાવતા હોય છે. આથી આજના સમયમાં એંગર મેનેજમેન્ટ અને રિલેશનશિપ મેનેજમેન્ટ જરૂરી બની ગયા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button