આપણું ગુજરાત

શા માટે એક પિતાએ પોતાની જીવતી દીકરીને સમાજ સામે મૃત જાહેર કરી દીધી?

વડોદરા: એક ચોંકાવનારી ઘટનામાં વડોદરાના વાઘોડિયા પાસે આવેલા લીલોર ગામમાં એક દીકરી ગામના યુવક સાથે કોર્ટ મેરેજ કરીને પ્રેમ લગ્ન કરી લેતા પિતા એટલી હદે નારાજ થયા હતા કે તેમણે દીકરી જીવંત હોવા છતાં સમાજના લોકોને બોલાવીને બેસણું યોજી તેને મૃત જાહેર કરી દીધી હતી, અને દીકરી સાથેના તમામ સંબંધોનો અંત લાવી દીધો હતો.

આજના સમયમાં છેલ્લા ઘણા વર્ષોથી જ્યારે પ્રેમલગ્નને સામાજીક સ્વીકૃતિ પહેલેથી મળેલી છે, તેમ છતાં ગ્રામ્ય સ્તરે હજુ પણ કેટલીક જ્ઞાતિઓમાં પ્રેમલગ્નને એક દૂષણ ગણવામાં આવે છે. પોતાના મરજી મુજબનો જીવનસાથી પસંદ કરવાનો આપણા દેશના બંધારણે દરેક વ્યક્તિને હક આપ્યો છે, તેમ છતાં અનેક કુટુંબોમાં પરિવારની મરજી વિરુદ્ધ જઇને લગ્ન કરતા યુવક-યુવતીઓએ માઠા પરિણામ ભોગવવા પડે છે.

આ ઘટનામાં દીકરીના માતાપિતાએ જણાવ્યું હતું કે તેમણે તકલીફો વેઠીને તેને ઉછેરી, ભણાવી-ગણાવી અને હવે દીકરીએ ગામના યુવક સાથે ભાગીને કોર્ટ મેરેજ કરી લેતા પરિવારની આબરુને નુકસાન પહોંચ્યું હતું. આથી તેઓ અત્યંત દુ:ખી અને વ્યથિત થયા હતા અને સમાજના આગેવાનોને બોલાવી બેસણું-અંતિમક્રિયા જેવી વિધિઓ કરી તેને મૃત જાહેર કરી દીધી હતી જેથી તેઓ તેને ભૂલી શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button