ગુજરાત-રાજસ્થાન બોર્ડર પાસે ગોઝારો અકસ્માત, 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પાસે આવેલા રતનપુર ચેકપોસ્ટ નજીક અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. ટ્રક સાથેની ટક્કર બાદ જીપ પલટી ખાઇ ગઇ હતી. જેમાં જીપમાં સવાર 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા.
જ્યારે અન્ય 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ 10 ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે બિછીવાડા હોસ્પીટલ ખસેડવામાં આવ્યા છે. કેટલાક મીડિયા અહેવાલો મુજબ 19 મજૂરોને ભરીને ક્રૂઝર જીપ હાઇવે પર પસાર થઇ રહી હતી તે સમયે ટ્રકે ટક્કર મારી હતી.
ટ્રકની ટક્કર વાગતા ક્રૂઝર પલટી ખાઇ ગઇ હતી અને 9 લોકો મોતને ભેટ્યા હતા જ્યારે 10 લોકોને ઇજા પહોંચી હતી. બનાવને પગલે તરત જ સ્થાનિકો દોડી આવ્યા હતા અને જીપમાં સવાર ઇજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ઘટના અંગે તપાસ હાથ ધરી હતી. ઘટના ગુજરાત સરહદથી કેટલાક મીટરના અંતરે જ સર્જાઇ હતી.