સૌરાષ્ટ્રમાં ખેડૂતો મફતના ભાવે ડુંગળી વેચવા મજબૂર બન્યા, એક કિલોનો ભાવ 4-5 રૂપિયા…

અમદાવાદ: સૌરાષ્ટ્રમાં ડુંગળીના પૂરતા ભાવ ન મળતાં ખેડૂતોને મજબુરીમાં મફતના ભાવે ડુંગળી વેચવાનો વારો આવ્યો છે. ખેડૂતોના દાવા પ્રમાણે તેઓને ડુંગળીનો ભાવ 60થી 70 રૂપિયા પ્રતિ મણ મળી રહ્યો છે. એટલે કે 4-5 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ કરવું પડી રહ્યું છે. બીજી તરફ નાસિકની ડુંગળીના ભાવ 250થી 300 રૂપિયા મળી રહ્યા છે. રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી 60 રૂપિયાથી લઇને 200 રૂપિયા પ્રતિ મણ એટલે કે 3થી વધુમાં વધુ 14 રૂપિયા કિલોના ભાવે વેચાઇ રહી છે.
15 રૂપિયા કિલો તો ડુંગળીની પડતર કિંમત
ડુંગળીના ભાવ અંગે ખેડૂતે જણાવ્યું હતું કે, 15 રૂપિયા કિલો તો ડુંગળીની પડતર કિંમત છે. તેની સામે 3-4 રૂપિયા કિલોના ભાવે ડુંગળી વેચાઈ રહી છે. આ કિંમતે તો મજૂરી પણ નીકળતી નથી. ત્રણ મહિના મહેતન, મજૂરી ખર્ચ, યાર્ડ સુધી ડુંગળી લાવવાનો ખર્ચ જોઇએ તો અમને બહુ મોંઘું પડે છે.
મહુવાના માર્કેટીંગ યાર્ડમાં સફેદની તુલનામાં લાલ ડુંગળીની આવકમાં વધારો
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચારેક દિવસથી મહુવાના માર્કેટીંગ યાર્ડમાં સફેદની તુલનામાં લાલ ડુંગળીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. મહુવા માર્કેટીંગ યાર્ડમાં ગત તા.૫ તારીખે લાલ ડુંગળીની ૪૦,૧૫૦ થેલીનું વેચાણ થયુ હતુ. જેના રૂા ૨૭૩ ઉંચા ભાવ મળ્યા હતા. જયારે સફેદ ડુંગળીની ૨૨૦૨૧ થેલીનું વેચાણ થયુ હતુ. જેના રૂા ૩૮૦ના ઉંચા ભાવ મળ્યા હતા. જયારે તા.૬ના રોજ લાલ ડુંગળીની ૩૨૧૧૪ થેલીનું વેચાણ થયુ હતુ.જેના ૩૨૦ ના ઉંચા ભાવ મળ્યા હતા.જયારે સફેદ ડુંગળીની ૧૬૬૬૧ થેલીનું વેચાણ થયુ હતુ. જેના રૂા ૪૦૧ ઉંચા ભાવ મળ્યા હતા.



