ભારત માલા પ્રોજેક્ટનાં વિરોધમાં ખેડૂતો ગાંધીનગર પહોંચ્યાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકામાંથી પસાર થઈ રહેલા ભારત માલા પ્રોજેક્ટ પહેલા ખેડૂતોમાં વિરોધ વ્યાપ્યો છે. બનાસકાંઠાના થરાદથી અમદાવાદ સુધી ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ હાઈવે એટલે કે જમીન સંપાદિત કરવા માટે ખેડૂતોને સંભાળ્યા વિના જ જમીન રેકોર્ડમાં કાચી નોંધ પાડી દેવામાં આવી હોવાના આક્ષેપો સાથે ખેડૂતો છેલ્લા ઘણા વખતથી રજૂઆતો કરતા આવ્યાં છે, પરંતુ હજી સુધી આ બાબતે કોઈ નિરાકરણ નહીં આવતાં ખેડૂતો મોટી સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડ્યા હતા. જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી જમીનની કાચી નોંધ રદ કરવાની માગ કરી હતી.
કેન્દ્ર સરકારના મહત્ત્વના બનાસકાંઠાના થરાદથી અમદાવાદ સુધી ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ હાઈવે એટલે કે ભારત માલા પ્રોજેક્ટની શરૂઆતથી જ અસરગ્રસ્ત ખેડૂતોમાં વિરોધનો વંટોળ વ્યાપ્યો છે.
ભારત માલા પ્રોજેક્ટમાં ગાંધીનગર જિલ્લાના કલોલ, માણસા, ગાંધીનગર અને દહેગામ તાલુકાના ગામોની જમીન સંપાદિત થવાની છે. જિલ્લાના ચારે તાલુકામાંથી પસાર થઈ રહેલા ભારત માલા પ્રોજેક્ટને લઈ ખેડૂતોમાં પહેલેથી જ વિરોધ વ્યાપી ગયો છે.
ખેડૂતોના વાંધા સાંભળ્યા વગર જ તેમના જમીન રેકોર્ડમાં કાચી નોંધ પાડી દેવામાં આવી હોવાના આક્ષેપ સાથે ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ભારત રાજપત્રના નોટિફિકેશનમાં જે સર્વે નંબર દર્શાવવામાં આવ્યાં છે જેમાં ૨૧ દિવસની અંદર લેખિતમાં ખેડૂતો દ્વારા પ્રાંત ઓફિસમાં વાંધો આપવાનો હોય છે.
જોકે, તેની સુનાવણી કરાઈ ન હતી. વધુમાં જમીન સંપાદનના નવા કાયદાની કલમ ૨૬ પ્રમાણે વાસ્તવિક બજાર કિંમત પણ નક્કી કરવામાં આવી નથી અને કોઈપણ જાતનું જોઈન્ટ મેજરમેન્ટ પણ કરવામાં આવ્યું નથી. આ પ્રક્રિયા કર્યા પછી જ જમીન સંપાદન કરવાની થાય છે તેમ છતાં ખેડૂતોની જમીનમાં સંપાદન અંગેની કાચી નોંધ પાડી દેવામાં આવી હતી. જેનાં પગલે અસરગ્રસ્ત ખેડૂતો ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા અને કલેકટરને રજૂઆત કરી તાત્કાલિક અસરથી આ કાચી નોંધ રદ કરી દેવા માટે માંગણી કરી હતી.