આપણું ગુજરાત

કચ્છના બન્ની પ્રદેશનાં ઘાસિયાં મેદાનોમાં ચિત્તા બ્રીડિંગ પ્રોજેક્ટ સામે માલધારીઓનો વિરોધ

ભુજ: કચ્છમાંથી લુપ્ત થઈ ગયેલાં ચિત્તાના પુન:સ્થાપનના હેતુથી આ રણપ્રદેશના ભાતીગળ બન્નીનાં ઘાસિયાં મેદાનોમાં ચિત્તા માટેનું બ્રીડિંગ સેન્ટર શરૂ કરવાની રાજ્ય સરકારની દરખાસ્તને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દેતાં બન્ની પ્રદેશના માલધારીઓ રોષે ભરાયા છે. બન્નીમાં ચિત્તા વિચરતા હોવાના કોઈ પ્રમાણ પુરાવા નથી અને જો હતા તો શા માટે લુપ્ત થઈ ગયાં તેની ખબર નથી. બન્ની પ્રદેશના લોકો સાથે વિચાર વિમર્શ કર્યાં વગર થયેલી દરખાસ્ત અને તેને મળેલી મંજૂરી સામે માલધારીઓએ વિરોધ દર્શાવ્યો છે. બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠનના નેજા હેઠળ બન્નીનાં ૧૯ જેટલાં ગામ-વાંઢના માલધારીઓએ ભુજમાં મુખ્યપ્રધાનને ઉદ્દેશીને તેમનો વિરોધ દર્શાવતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટર અમિત અરોરાને આપ્યું છે. માલધારીઓએ રોષપૂર્વક જણાવ્યું હતું કે, સાડા ચાર સદીથી બન્ની પંથકમાં પશુપાલકો પશુપાલન સાથે જીવનનિર્વાહ ચલાવે છે. અહીં ૪૫ હજાર લોકો અને દોઢ લાખ જેટલું પશુધન છે.

એશિયાના સૌથી મોટા ચરિયાણ વિસ્તાર બન્નીમાં પરંપરાગત રીતે પશુપાલન ઉદ્યોગ વિકસ્યો છે.

બન્નીની કુંઢી નસ્લની ભેંસને દેશની ૧૧મી અને ગુજરાતની ૪થી વિશિષ્ટ નસ્લ તરીકે માન્યતા મળેલી છે. ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કુંઢી ભેંસની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા કરે છે. દરરોજ સરેરાશ દોઢ લાખ લિટર દૂધનું ઉત્પાદન એકલું બન્ની કરે છે. અહીંનો માવો પ્રવાસીઓમાં વિખ્યાત છે ત્યારે ચિત્તાના પ્રોજેક્ટના લીધે સદીઓ જૂના પશુપાલન ઉદ્યોગ પર ગંભીર જોખમ સર્જાઈ શકે છે. અહીંની ભાતીગળ લોકસંસ્કૃતિ અને વિશાળ ચરિયાણના કારણે વૈવિધ્યપૂર્ણ વિકસેલી સજીવસૃષ્ટિની એક આગવી ઓળખ છે જેને માણવા દેશ-વિદેશના પ્રવાસીઓ આવે છે.

માલધારીઓના સંગઠને કેન્દ્ર સરકારની દરખાસ્તને રદ્દબાતલ કરવા રજૂઆત કરતાં ઉમેર્યું હતું કે, પારંપારિક હક્કોની દરકાર કર્યાં વગર આ દરખાસ્ત કરાઈ છે. બન્નીનાં ગામોને આજ સુધી રેવન્યૂ વિલેજનો દરજજો મળ્યો નથી. જનતા વનવિભાગ અને મહેસૂલ તંત્ર વચ્ચે ધક્કા ખાય છે. બન્નીના વર્ષો જૂનાં હક્કો કાયમ કર્યાં વગર અને કોઈપણ પ્રકારનું સેટલમેન્ટ કર્યાં વગર કાનૂની પાસાઓની દરકાર કર્યાં વગર આવા એકતરફી નિર્ણય લેવાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button