ગુજરાતમાં ખેડૂતોના માથે પનોતી બેઠી છે: કૉંગ્રેસ | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

ગુજરાતમાં ખેડૂતોના માથે પનોતી બેઠી છે: કૉંગ્રેસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ગુજરાતના ખેડૂતોના માથે પનોતી છે. પહેલા અતિભારે વરસાદ ત્યાર પછી બિપોરજોય વાવાઝોડું અને હવે કરા સાથે, પવન સાથે કમોસમી વરસાદથી ખેતી અને ખેડૂતો બરબાદ થઇ ગયા છે, દેવાદાર બની રહ્યાં છે. ૨૦૨૨ માં ખેડૂતોની આવક બમણી કરવા ભાષણો અને વાયદાઓ તો થયા પણ વાયદાઓ તો પૂરા ન થયા પણ ખેડૂતો આર્થિક રીતે દેવાદાર ચોક્કસ ગુજરાતમાં બન્યા છે. સરકારે માવઠાથી થયેલા નુકશાનનો ૧૦ દિવસમાં જ સર્વે પૂરો કરીને તત્કાળ ખેડૂતોને સહાય ચૂકવવી જોઇએ એવી માંગણી ગુજરાત કૉંગ્રેસે કરી છે. ગુજરાત વિધાનસભાના કૉંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, માવઠાથી આર્થિક બરબાદી તો મોટા પ્રમાણમાં થઇ ગુજરાતમાં જાનહાની પણ થઇ છે. લગભગ ૨૫ કરતા વધારે લોકોનાં વીજળી પડવાથી મૃત્યુ થયા છે, અનેક લોકો ઘાયલ થયા છે, પશુઓ પણ મોટા પ્રમાણમાં મૃત્યુ પામ્યાં છે. ઉત્તર ગુજરાતમાં ૭ વર્ષની બાળકીથી લઇ ૭૦ વર્ષના વૃદ્ધ જે ખેતી કામ સાથે જોડાયેલા હતા, ખેતરમાં કામ કરતા હતા તેમના મૃત્યુ થયાં છે. સરકારમાં છેલ્લા ૬ મહિનાના જે આંકડા બહાર આવ્યા છે. ગુજરાતમાં અતિવૃષ્ટિ થઇ હોય, ભારે વરસાદ થયો હોય કે કુદરતી હોનારતો થઇ હોય તેમાં ૧૦૦ કરતા વધારે લોકોનાં મૃત્યુ થયાં છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરાતમાં માવઠાથી એરંડાના ઉભા પાક તથા અનેક જગ્યાએ જીરુની વાવણીને પણ અસર થઇ, રાયડાના પાકને પણ ખુબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, સમગ્ર ગુજરાતનાં તમામ વિસ્તારોમાં પવન અને કરા સાથે કમોસમી વરસાદથી ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન થયું છે. ગુજરાતમાં કોઈ કુદરતી આફતો આવે ત્યારે સરકાર સહાયની, વળતરની જાહેરાતો ખૂબ મોટી કરે છે. પરંતુ ચુકવણી યોગ્ય રીતે થતી નથી. ગત ચોમાસામાં જે અતિવૃષ્ટિ થઇ તેમાં જૂનાગઢ અને એની આજુબાજુના અનેક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું, સરકારે મોટા મોટા પેકેજ પણ જાહેર કર્યા પણ આજદિન સુધી એમાંથી કોઈને સહાય મળી નથી.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button