ખેડૂતોને રાહતનો મલમ: અતિવૃષ્ટિથી પાકને નુકસાન અંગે સરકારનું 1419 કરોડનું રાહત પેકેજ!
![A relief to farmers: 1419 crore government relief package for crop damage due to heavy rain](/wp-content/uploads/2024/09/Governments-support-to-farmers.jpg.jpg)
ગાંધીનગર: આ વર્ષે ગુજરાતમાં અતિભારે વરસાદના કારણે રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં ખેતીપાકોને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે. ઓગષ્ટ અને સપ્ટેમ્બર માસ દરમિયાન અતિવૃષ્ટિની પરિસ્થિતિને લઈને અનેક ખેડૂતોની જમીનનું ધોવાણ થયું હતું. તે સિવાય નવરાત્રી બાદ પડી રહેલા વરસાદના પગલે સૌરાષ્ટ્રમાં ખૂબ જ નુકસાન પહોંચ્યું છે. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા 1419 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.
ચોમાસા દરમિયાન રાજ્યમાં પડેલા અતિભારે વરસાદને કારણે ખેતી પાકોને ખૂબ જ નુકસાન પહોંચ્યું હતું. જેને લઈને ખેડૂતો તેમજ સ્થાની ધારાસભ્યો દ્વારા પણ રાજ્ય સરકાર પાસે સહાયની માગ કરવામાં આવી હતી. ત્યારે આજે સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે 1419 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. રાજ્યના 20 જિલ્લાના સાત લાખથી પણ વધુ લાભાર્થીઓને તેનો લાભ મળશે. 8.5 લાખ હેક્ટરની જમીનના ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે.
ઓગષ્ટ માસના આ પેકેજમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જુનાગઢ, સુરત, પાટણ અને છોટા ઉદેપુર એમ 20 જિલ્લાના 136 તાલુકાના કુલઃ 6812 ગામોનો સમાવેશ થયેલ છે. આ પેકેજ દ્વારા રાજયના 7 લાખથી વધુ ખેડૂતોને રાહત પેકેજ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ રાહત પેકેજના કુલઃ 1419.62 કરોડ પૈકી રૂ.1097.31 કરોડ SDRF હેઠળ આપવામાં આવશે અને રાજય બજેટમાંથી સહાય પેટે રૂ.322.33 કરોડની રકમ ચૂકવવામાં આવશે.
આ પણ વાંચો : આનંદો, ગુજરાત સરકારે 1 નવેમ્બરે જાહેર કરી રજા, જાણો કેમ લીધો નિર્ણય…
1419 કરોડ રૂપિયાનું રાહત પેકેજ:
ગુજરાતમાં આ વર્ષે પડેલા ભારે વરસાદે ખેતીપાકોને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું. ઓગષ્ટ અને સપ્ટેમ્બર માસમાં પડેલા વરસાદે જમીનના ધોવાણ સહિત ખૂબ જ નુકસાન પહોંચાડ્યું હતું. જો કે ત્યારબાદ નવરાત્રી બાદ પડી રહેલા વરસાદના કારણે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. ખેડૂતોને મોએ આવેલો કોળિયો છીનવાય ગયો છે ત્યારે ખેડૂતો દ્વારા સરકાર તરફથી સહાયની જાહેરાત કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી હતી.