Eco Zoneના વિરોધમાં ખેડૂતો મેદાનમાં: માધવપુરમાં યોજાયું 45 ગામના ખેડૂતોનું સંમેલન
જૂનાગઢ: ઇકો ઝોન (Eco zone)ના નવા સંભવિત કાયદાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ થતા જ ઇકો ઝોન નીચે આવતા જુનાગઢ, સોમનાથ અને અમરેલી જિલ્લાના 197 જેટલા ગામોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ઈકો ઝોનના કાયદાના વિરોધમાં માધવપુર ગીર ગામે સર્વ સમાજનું બિન રાજકીય મહાસંમેલન યોજાયું હતું. જેમાં તાલાલા પંથકને સંપૂર્ણ ઈકો સેન્સિટિવ ઝોનથી મુક્ત કરવાનો મક્કમ નિર્ધાર વ્યકત કરવામાં આવ્યો હતો. તાલાલા પંથકમાં વિનાશકારી ઈકો ઝોન વનવિભાગના પાપે લગાડવાની નોબત આવી હોવાનું વક્તાઓએ જણાવ્યું હતું.
સંમેલનમાં જણાવાયું હતુ કે કેન્દ્ર સરકાર દ્વારા બે કિમીથી લઈને જંગલ વિસ્તારના આઠ કિલોમીટર સુધી સંભવિત ઇકો ઝોનનો કાયદો લાગુ કરવાનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેને માત્ર ખેડૂતો જ નુકસાનકારક નથી માની રહ્યા પરંતુ આ નવો કાયદો લાગુ થતા જ ગ્રામ પંચાયતોના સામાન્ય કામો માટે પણ વન વિભાગની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક બની જશે.
વધુમાં ગામડાઓમાં ખેતીલક્ષી કામો પણ ખેડૂતો ખૂબ મુશ્કેલ ભરી પરિસ્થિતિમાં કરી શકશે, જેની ચિંતા પણ ખેડૂતોને સતાવી રહી છે. ખેતર વિસ્તારમાં કોઈ કામકાજ કરવા માટે વાહનની અવર જવર કરતા પૂર્વે વન વિભાગની પૂર્વ મંજૂરી મેળવવી પડશે.
વધુમાં આ વિસ્તારમાં ખેડૂતો કે ગામ લોકો દ્વારા કોઈપણ કામ કરવામાં આવે તો તેમાં વન વિભાગની આજે પણ કનડગત છે. આવી પરિસ્થિતિમાં જો કાયદાનું હથિયાર વન વિભાગને મળી જાય તો જે વિસ્તારમાં ઇકો ઝોનનો કાયદો લાગુ થવા જઈ રહ્યો છે તે વિસ્તારના ગામ લોકો ગામડાઓ અને ખેડૂતો પડી ભાંગવાનો સૌથી મોટો ભય સતાવી રહ્યો છે. જેને કારણે તેઓ ન માત્ર કાયદાનો વિરોધ કરી રહ્યા છે પરંતુ તેઓ ઈકો ઝોનનો કાયદો આ વિસ્તારમાં જોઈતો જ નથી એવો આકરો પ્રતિભાવ આપ્યો છે.
Also Read –