ખેડૂત પોતાની માંગને લઇને ચડી ગયો મોબાઈલના ટાવર પર; ધારાસભ્ય અને અધિકારીઓમાં દોડધામ…
રાજપીપળા: નર્મદા જિલ્લામાં એક ખેડુત પોતાની માંગને લઈને નોખી રીતે વિરોધમાં ઉતર્યો હતો. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાનાં એક અસરગ્રસ્ત ખેડૂતે પોતાની માંગને લઈને આપઘાતના ઈરાદે ટાવર પર ચડી ગયો હતો અને તેણે કહ્યુ હતુ કે ‘જ્યાં સૂધી ચૈતર વસાવા મને ન્યાય નહિ અપાવે ત્યા સૂધી નીચે નહિ ઉતરે.’
આ પણ વાંચો : કચ્છમાં કહેર વર્તાવી રહેલી બીમારી માટે રાયનોવાઇરસ જવાબદાર હોવાનો પુણેની લેબોરેટરીનો દાવો…
નર્મદા જિલ્લાનો ખેડૂત ગણપત તડવી આજે વહેલી સવારે મોબાઈલના ટાવર પર ચડી ગયો હતો. ઘટનાની જાણ થતાની સાથે જ નાંદોદનાં ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને તેણે ખેડૂતને સાંભળીને સમસ્યાના સચોટ નિવારણની ખાતરી આપી હતી.
ખેડૂતની માંગ છે કે અમારી વડીલોની જમીન લઈ લીધી છે અને તેનું વળતર કે લાભ નથી આપ્યા. સ્થાનિક પ્રશાસનની ભરતી પ્રક્રિયામાં પણ સ્થાન નથી આપવામાં આવ્યું. સાથે જ તેમણે કહ્યુ હતુ કે જો કોઈ પણ માંગ સંતોષવામાં નહિ આવે તો આપઘાત કરી લેવાની ચીમકી ઉચ્ચારી હતી.