આપણું ગુજરાત

ગરમીની ઋતુમાં બહાર સૂતા પહેલા ચેતજો; અંકલેશ્વરમાં પરિવાર બહાર સૂતો રહ્યો અને તસ્કરો કરી ગયા ૧૭ લાખની ચોરી

અમદાવાદ: હાલ ઉનાળાની ઋતુમાં આકરી ગરમીના કારણે લોકો રાત્રિના સમયે રાહત મેળવવા માટે બહાર સૂતા હોય છે પરંતુ આ તસ્કરો માટે લૂંટની આ સૌથી સારી તક બની જતી હોય તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં અંકલેશ્વર તાલુકાના ભરણ ગામની અંદર આખો પરિવાર રાતે બહાર સૂતો રહ્યો અને આ દરમિયાન તસ્કરોએ તેમના ઘરને નિશાન બનાવીને ૧૭ લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરી હતી.

અંકલેશ્વર તાલુકાના ભરણ ગામનો બનાવ

મળતી વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના ભરણ ગામમાં એક ચોંકાવનારો ચોરીનો બનાવ બન્યો છે. જેમાં અંકલેશ્વરના સુથાર ફળિયામાં એક પરિવાર આકરી ગરમીના કારણે રાત્રિના સમયે ઘરની બહાર સૂતો હતો. ભારતીબેન ભાવેશ પટેલનો પરિવાર તેમના ઘરના ઓટલા પર સૂતો હતો અને આ દરમિયાન રાત્રિનાં સમયે તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો.

આ પણ વાંચો: તમારી મજા સજામાં ના ફેરવાય, ઓળખ ચોરીનું મંડરાઈ રહેલું જોખમ, આ વાંચી લો…

કઈ રીતે થઈ ચોરી થયાની જાણ?

પરિવાર ઘરની બહારના ઓટલા પર સૂતો રહ્યો હતો અને તે દરમિયાન તસ્કરોએ તેમના ઘરના ઘરને નિશાન બનાવીને ઘરની અંદર ઘૂસીને સોના-ચાંદીના ઘરેણાં તેમજ રોકડા ૧.૬૨ લાખ મળી કુલ ૧૭.૫૬ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જો કે તસ્કરોએ ખૂબ જ ચીવટથી ઘરનો સામાન વેર વિખેર કર્યા વગર જ ચોરી કરી હતી. સવારે ઉઠે બાદ જ્યારે સાફ સફાઇ કરી રહ્યા હતા તે દરમિયાન દાગીનાનું બોક્સ કબાટની નીચેથી મળી આવતા ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું અને બાદમાં પોલીસ ફરિયાદ નોંધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button