ગુજરાતમાં નકલીનો રાફડો! હવે અમદાવાદમાં મળી આવી નકલી કોર્ટ

અમદાવાદ: રાજ્યમાં અત્યાર સુધી નકલી ખાણી-પીણી, નકલી ઘી-તેલથી લઈને નકલી ટોલનાકા, નકલી પીએસઆઇ, નકલી અધિકારી સહિત નકલી રાજવી પણ મળી આવ્યા બાદ હવે અમદાવાદમાં કોઇ ફિલ્મમાં ચાલતી હોય તેવી ઘટના બની છે. આજે અમદાવાદમાં વર્ષોથી ધમધમતી એક નકલી કોર્ટ ઝડપાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ સીટી સિવિલ કોર્ટમાં જ નકલી કોર્ટ ઝડપાઇ છે. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફશ થતાં જ ખળભળાટ મચી ગયો છે. નકલી લવાદી બનીને જમીનના ઓર્ડર કરનાર મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન નામના શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

ગુજરાતમાં ચાલી રહેલી નકલી કોર્ટ બાદ ભારે ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાને પગલે કોર્ટે આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચન વિરુદ્ધ ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે. સીટી સિવિલ કોર્ટના રજિસ્ટ્રાર હાર્દિક દેસાઈએ આરોપી વિરુધ્ધ કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીએ નકલી લવાદી બનીને વાંધાવાળી જમીનોના ઓર્ડર કર્યા હતા, જેની તપાસ કરવામાં આવતા સીટી સિવિલ કોર્ટ સામે જ તેનો ભાંડો ફૂટ્યો હતો.