આપણું ગુજરાત

નકલી ટોલનાકા કાંડઃ કરોડોની લૂંટ બાદ હવે સરકારે બનાવી કમિટી

ગામની બહાર નાનકડું કોઈ એકમ ગેરકાયદે કે નિયમોનો ભંગ કરી ચાલતું હોય અને સ્થાનિક તંત્રને જાણ ન હોય તો સમજી શકાય, પરંતુ ગુજરાતના મોરબીમાં આખેઆખું બૉગસ ટોલનાકું પકડાઈ આવ્યું છે ત્યારે હવે તંત્ર જાગ્યું છે અને કમિટી બનાવી તપાસના આદેશ આપ્યા હોવાની માહિતી મળી છે.

આ કાંડમાં વગદારોના નામ પણ બહાર આવ્યા છે. મળતી માહિતી અનુસાર મોરબી જિલ્લાના વઘાસીયા પાસે બોગસ ટોલનાકાના મામલાની તપાસ માટે કમિટીની રચના કરાઈ છે. વાંકાનેરના પ્રાંત અધિકારી દ્વારા ચાર અધિકારીઓની કમિટી બનાવવામાં આવી છે, જેમાં મામલતદાર, ટીડીઓ, પીઆઇ અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બૉગસ ટોલનાકેથી પસાર થતા વાહનો વાળા રસ્તાની સરકારી રેકોર્ડ મુજબ તપાસ કરવામાં આવશે. કમિટીના રિપોર્ટ બાદ પ્રાંત અધિકારી કલેક્ટરને બૉગસ ટોલનાકા બાબતે ફાઇનલ રિપોર્ટ સુપરત કરાશે, તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે.

મોરબી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે રોડ પર વઘાસીયા પાસે ટોલનાકુ આવેલું છે અને તે ટોલનાકાની બંને બાજુએ ગેરકાયદેસર ટોલનાકા શરૂ કરી દેવામાં આવ્યા હતા અને ત્યાંથી ટોલનાકાને બાયપાસ કરીને વાહનોને પસાર કરવામાં આવતા હતા અને તે વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવતા હતા.


દોઢ વર્ષથી ચાલતી આ લૂંટના અહેવાલો પ્રસાર માધ્યમોમાં ઉજાગર થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને પાંચ શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે, હજુ સુધી આરોપી પકડાયેલ નથી. સ્થાનિકો દ્વારા મળતી માહિતી મુજબ ટોલ પ્લાઝાના કર્મચારીઓ દ્વારા હાલમાં જે ગેરકાયદેસર ટોલનાકા બનાવવામાં આવ્યા હતા તે તરફ આવવા જવાના રસ્તા ઉપર આડસો મૂકીને તથા ખાડા ખોદીને તે રસ્તા બંધ કરવામાં આવ્યા છે, જેથી કરીને ટોલ પ્લાઝા ઉપર વાહનોની સંખ્યામાં વધારો થતો હોય તેવું જોવા મળી રહ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button