દાહોદમાં નકલી કચેરી કૌભાંડ પોલીસે પ્રાયોજના વહીવટદારની ધરપકડ: કુલ ૧૪ આરોપી ઝડપાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: દાહોદ પોલીસે નકરી કચેરી કૌભાંડમાં વધુ એક પ્રાયોજના વહીવટદાર સંજય પંડ્યાની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા આ પહેલા ૧૩ આરોપીની ધરપકડ કરી હતી. ૧૩૦ જેટલા બેન્ક એકાઉન્ટ શોધી કાઢ્યા હતા અને તેમાંથી ૭૦ એકાઉન્ટ ફ્રીજ કરવામાં આવ્યા હતા. ૧૨૧ કામો કાગળ પર રજૂ કરીને નાણાં પડાવ્યાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે સંજય પંડ્યા સહિત કુલ ૧૪ આરોપીને ઝડપી પાડ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના અત્યંત ચકચારી એવા નકલી કચેરીના ૨૫.૬૬ કરોડના કૌભાંડના મામલે દાહોદ પોલીસે થોડા દિવસ પહેલા જ ૩૪૩૪ પાનાની ચાર્જશીટ બનાવી દાહોદ કોર્ટમાં રજૂ કરી હતી. તેમજ બીજી તરફ પોલીસે આ મામલામાં તપાસ પણ ચાલુ રાખી હતી. આ નકલી કચેરી કૌભાંડની ચાર્જશીટમાં જુદી જુદી સાત જેટલી બેન્કોના ૨૦૦ સ્ટેટમેન્ટ સામેલ કરવામાં આવ્યા હતા. અને ૧૮ કરોડ ૯૫ લાખનું કૌભાંડ વધીને ૨૫ કરોડને પાર કરી ગયું છે. આ કેસની ઝીણવટ ભરી તપાસનો દોર આગળ વધારી બેંકના સ્ટેટમેન્ટની ચકાસણી તેમજ ધરપકડ કરાયેલા આરોપીઓની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં વર્ષ ૨૦૨૨ ૨૩ દરમિયાન દાહોદ પ્રાયોજના વહીવટદાર કચેરીમાં પ્રાયોજના વહીવટદાર તરીકે ફરજ બજાવી ગયેલા સંજય જે પંડ્યાની સંડોવણી બહાર આવી હતી. પૂછપરછમાં સંજય પંડ્યાની સંડોવણી બહાર આવતા તેના આધારે દાહોદ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. નકલી કચેરી કૌભાંડમાં એક આઈએએસ બાબુ નીનામા સહિત કુલ ૧૪ જેટલા આરોપીઓની ધરપકડ કરી તેઓને જેલના સળિયા પાછળ મોકલી આપ્યા છે. આ ભેજાબાજ સફેદ ઠગોએ ૧૦૦ નહીં પણ ૧૨૧ કામો મંજૂર કરાવીને તે પેટે રૂપિયા ૨૫.૬૬ કરોડની સરકારી ગ્રાન્ટ લઈ ભ્રષ્ટાચાર આચર્યાનું બહાર આવ્યું હતું.