રજા લેવા માટે બનાવી નકલી કંકોતરી! કરાઇમાં ટ્રેનિંગ લેતા PSIએ નકલીકાંડમાં ગુમાવી સરકારી નોકરી
ગાંધીનગર: નકલી ડોક્ટર બનીને આખી હોસ્પિટલ માથે લેતા મુન્નાભાઇ તો તમને યાદ હશે. એ તો ફિલ્મ હતી, પણ ગુજરાતમાં વાસ્તવમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં એક ટ્રેની PSIએ રજા લેવા માટે પોતાની સગાઇની એક નકલી કંકોતરી બનાવી દીધી, યોગાનુયોગે તિકડમબાજનું નામ પણ મુન્નાભાઇ જ છે. જો કે ટ્રેની PSIની આ ભૂલ પકડાઇ ગઇ અને હવે તેઓ સરકારી નોકરીમાંથી હાથ ધોઇ બેઠા છે.
ગુજરાતમાં ફરી એકવાર નકલી દસ્તાવેજનો કિસ્સો બન્યો છે. આ અનોખા કિસ્સામાં ગાંધીનગર સ્થિત કરાઇ એકેડમીમાં PSIની ટ્રેનિંગ લઇ રહેલા 29 વર્ષીય મુન્નાભાઇ હમીરભાઇ આલને કોઇ કારણોસર રજા લેવી હશે, તો તેમણે ગામડે પોતાની સગાઇ હોવાનું કારણ આપ્યું, અને તેની વિગતોવાળું આમંત્રણનું કાર્ડ પણ સબમિટ કરાવ્યું હતું. પોલીસ એકેડમીના અધિકારીઓએ જ્યારે આમંત્રણ કાર્ડની તપાસ કરી ત્યારે તેમને ખ્યાલ આવ્યો હતો કે આખું આમંત્રણનું કાર્ડ જ નકલી છે.
સગાઇની આમંત્રણ પત્રિકામાં જે છોકરી સાથે પોતાની સગાઇનો તેમણે ઉલ્લેખ કર્યો હતો તેનું નિમી કરીને કાલ્પનિક નામ આપીને પત્રિકામાં છપાવ્યું હતું. જો કે પત્રિકામાં છોકરીના ઘરનું-ગામનું નામ તથા તેના માતાપિતાનું નામ હતું જ નહિ. જેના પરથી અમુક અધિકારીઓને શંકા જતા તેમણે મુન્નાભાઇના ગામમાં પણ તપાસ કરાવી હતી. સ્વાભાવિક છે કે આખી ઘટના જ ઉપજાવી કાઢેલી હોવાથી ગામમાં પણ કોઇ આયોજન હતું નહિ. આમ, ટ્રેની PSIના બહાનાનો ઘટસ્ફોટ થતા તાત્કાલિક તેમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા.
આખી આમંત્રણ પત્રિકા જ નકલી હોવાનું ખૂલ્યા બાદ ટ્રેની PSI મુન્નાભાઇની કડક પૂછપરછ પણ હાથ ધરવામાં આવી હતી, જેમાં તેમણે રજા લેવા માટે જૂઠાણું ચલાવ્યું હોવાની વાત કબૂલી લીધી હતી. તેમણે અમદાવાદમાં રહેતા પોતાના એક મિત્રની મદદ લઇને સગાઇની આમંત્રણપત્રિકા બનાવડાવી હતી. આ ઉપરાંત ટ્રેનિંગના કાર્યકાળ દરમિયાન પણ તેમણે ગેરવર્તણુંક કરી હોવાની ઘટનાઓ બની હતી. આમ, તો કરાઇ એકેડમીમાં રજાઓ લેવા માટેના નિયમો છે અને નિયમો મુજબ દરેક પોલીસકર્મીને રજા આપવામાં આવતી જ હોય છે, પરંતુ કોઇ મજબૂત કારણ વગર રજા નહિ મળી શકે એ ચક્કરમાં સગાઇનું નકલી ઇન્વિટેશન કાર્ડ બનાવી તેને રજાના રિપોર્ટમાં દર્શાવતા ટ્રેની PSIનો ભાંડો ફૂટ્યો હતો.