(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: છોટા ઉદેપુરનાં બોડેલીમાં સિંચાઈ વિભાગની નકલી સરકારી ઑફિસ ઊભી કરી ૪.૧૫ કરોડના કૌભાંડ મામલે સીટની તપાસમાં વધુ એક આરોપીની વડોદરામાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત દાહોદ જિલ્લાની પણ સરકારી ગ્રાન્ટ કૌભાંડીઓએ વાપરી હોવાની કેટલીક કડીઓ મળી આવતાં હવે સીટની ટીમે એ દિશામાં પણ તપાસ શરૂ કરી દીધી છે. સીટની બનાવવામાં આવેલી પાંચ જુદી જુદી ટીમ પૈકીની કેટલીક ટીમ દ્વારા છોટા ઉદેપુર જિલ્લામાં આ કૌભાંડીઓ દ્વારા કરવામાં આવેલા કહેવાતા કામોના સ્થળની મુલાકાત લીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર નકલી સરકારી કચેરી કૌભાંડમાં પોલીસે સંદીપ રાજપૂત અને અબુ બકર સૈયદની ધરપકડ કરીને તેઓની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી હતી. તેઓના છોટા ઉદેપુર તથા વડોદરાના સંપર્ક સ્થાનો પર દરોડા પાડીને દસ્તાવેજો કબ્જે કર્યા હતા. સમગ્ર કૌભાંડમાં સિંચાઈ વિભાગનાં કર્મચારીઓ સંકળાયેલા છે કે નથી તેની પણ તપાસ શરૂ કરી દેવાઈ હતી. નકલી સરકારી ઑફિસ ઉભી કરવાના આ ચકચારી કૌભાંડમાં મૂળ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામના મૂળ વતની અને હાલ વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા અંકિત સુથારની ધરપકડ કરી હતી. અંકિત સુથાર અબ ુબકર સૈયદની ઓફિસમાં બોગસ દસ્તાવેજો ટાઇપ કરી સંદીપ રાજપૂતની સહી કરાવીને આ દરખાસ્તો છોટા ઉદેપુર પ્રાયોજના વહીવટદાર કચેરી ખાતે જમા કરાવતો હતો અને સમગ્ર કૌભાંડથી વાકેફ અને સામેલ હતો.
તેણે સંદીપ રાજપૂતના નામનું બોગસ આઇકાર્ડ પણ બનાવ્યું હતું. પોલીસે ૯૩ કામોની સાથે સાથે સરકારી કચેરીમાંથી મેળવેલા રૂ. ૪.૧૫ કરોડ ક્યાં ગયા તેની પણ તપાસનું અને આ નાણામાંથી પ્રાયોજના વહીટવદારની કચેરીમાં કોને કોને ચેકના કમિશન પેટે નાણાં ચૂકવ્યા તેની પણ તપાસ હાથ ધરી હતી. પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ
ધરી હતી.