અંબાજીના મોહનથાળમાં નકલી ઘી વિવાદ: એક આરોપીની ધરપકડ કરવામાં આવી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓને મોહનથાળના પ્રસાદ માટે નકલી ઘી વાપરવાના વિવાદમાં આખરે પોલીસે નકલી ઘી પૂરુ પાડનારાં એક આરોપીની ધરપકડ કરી છે. હજુ પણ બીજા આરોપીના નામ ખૂલશે તેમ ધરપકડનો દોર જારી રહેશે. અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે ઘીના ૩૦૦ ડબ્બા અંબાજીમાં પ્રસાદ બનાવવાનું કામ કરનારા મોહિની કેટરર્સને આપ્યા હતા. આ ઘી નકલી હોવાનું ખૂલતા પોલીસ ફરિયાદ થયાં બાદ પોલીસે અમદાવાદ ખાતેના નીલકંઠ ટ્રેડર્સના માધુપુરા માર્કેટમાં આવેલા ગોડાઉનમાં રેડ પાડવામાં આવી હતી અને ત્રણ જેટલા ઘીના ડબ્બા જપ્ત કરીને ગોડાઉનને સીલ મારી દીધું હતું. બીજી બાજુ આ ટ્રેડર્સના માલિકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. અને આ દરમિયાન જતીન શાહની ધરપકડ કરવામાં આવી હતી. અંબાજી પોલીસ દ્વારા આરોપીની પૂછપરછમાં અનેક ખુલાસાઓ બહાર આવે તેવી શક્યતાઓ છે. મોહનથાળના પ્રસાદ માટે ઉપયોગમાં લેવાયેલું ઘી અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સ પાસેથી ખરીદવામાં આવ્યું હોવાનો દાવો કોન્ટ્રાક્ટર મોહિની કેટરર્સે કર્યો હતો. બીજી બાજુ પોલીસ ફરિયાદની પહેલા જ અંબાજી પોલીસની ટીમે અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલા નીલકંઠ ટ્રેડર્સમાં પહોંચી અને તપાસ હાથ ધરી હતી. જોકે નીલકંઠ ટ્રેડર્સના માલિક દુકાનમાં મળ્યા ન હોવાથી અંબાજી પોલીસે માધુપુરા પોલીસમાં દુકાન માલિક ન મળી આવ્યાની નોંધ કરાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અંબાજીના પ્રસાદ માટે વપરાતા ઘીના નમૂના ચકાસણી દરમિયાન ફેઇલ થયા હતા ત્યારબાદ અંબાજી પોલીસે મોહિની કેટરર્સના માલિક, નીલકંઠ ટ્રેડર્સ તેમજ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.અંબાજી મંદિર દ્વારા વેંચવામાં આવતા મોહનથાળના પ્રસાદના પેકેટ પર આપવામાં આવેલી વિગત પ્રમાણે, દર ૧૦૦ ગ્રામ મોહનથાળમાં ૩૦ ગ્રામ બેસન, ૪૬ ગ્રામ ખાંડ, ૨૩ ગ્રામ ઘી તથા એક ગ્રામમાં દૂધ અને એલચીનો ઉપયોગ કરવામાં આવે છે. અંબાજીના મંદિર દ્વારા આપવામાં આવતા મોહનથાળના પ્રસાદનું ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયામાં રજિસ્ટ્રેશન થયેલું છે. નિયમ મુજબ, પ્રસાદ બનાવનારે પણ આ સર્ટિફિકેટ લેવાનું રહે છે.