ઊંઝામાંથી ફરી પકડાઈ નકલી જીરું-વરિયાળીની ફેક્ટરી, 74 લાખનો મુદ્દામાલ જપ્ત…
મહેસાણાઃ ઊંઝામાંથી ફરી એક વખત નકલી જીરુ-વરિયાળીની ફેક્ટરી ઝડપાઈ હતી. મહેસાણા એલસીબીએ બાતમીના આધારે કાર્યવાહી કરી એક આરોપીની અટકાયત કરી હતી. કલર મિક્સ કરીને વરિયાળી બનાવવામાં આવતી હોવાની બાતમી મળ્યા બાદ ઊંઝામાં આવેલી કીર્તિ ટ્રેડિંગ નામની ફેક્ટરીમાં ફૂડ વિભાગ અને એલસીબી ટીમે કાર્યવાહી કરી હતી. જેમાં લીલો કલર નાંખીને બનાવવામાં આવતી કલરફૂલ વરિયાળીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Rajkot ટંકારા જુગાર કેસમાં મોટો ખુલાસો: પોલીસે જ 61 લાખનો કર્યો તોડ
1955 કિલો વરિયાળી અને 85 બોરી બનાવટી જીરું જપ્ત
પોલીસે 1955 કિલો કલરયુક્ત વરિયાળીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. લીલો કલર ભેળવીને વરિયાળી બનાવીને બજારમાં વેચવામાં આવતી હતી. પોલીસે કુલ 74 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગોડાઉન ભાડે રાખીને આ ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. બે ઇસમો આ ફેક્ટરી ચલાવતાં હોવાનું સામે આવ્યું છે. ફેક્ટરીમાંથી 85 બોરી બનાવટી જીરું પણ મળી આવ્યું હતું. આ તમામ મુદ્દામાલને રિપોર્ટ અર્થે એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા.
આ ફેક્ટરીમાં અન્ય શું પ્રોડક્ટ બનતી હતી તેને લઈ પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે તેવી વસ્તુનો મુદ્દામાલ સીઝ કરીને એફએસએલમાં મોકલવામાં આવ્યો હતો. તેથી હવે એફએસએલનો રિપોર્ટ ક્યારે આવશે અને તેમાં શું વિગતો બહાર આવશે તેના પર નજર રહેશે.
આ પણ વાંચો : સુરતમાં બની રહસ્યમય ઘટના, યુવકને ન થયું દર્દ કે ન નીકળ્યું લોહી ને કપાઈ ગઈ ચાર આંગળી
થોડા મહિના પહેલા ગાંધીનગર અને મહેસાણા ફૂડ વિભાગની ટીમે દરોડા પાડી નકલી જીરું બનાવતી ચાર ફેક્ટરી ઝડપી પાડી હતી. મહેસાણાના ઉનવા ગામ નજીક આવેલા ગોડાઉનમાં ફેક્ટરી ચાલતી હતી. મકતુંપુર નજીક ખુલ્લા ખેતરમાં નકલી જીરું બનાવાતું હતું, તેના પર પણ દરોડા પાડીને કાર્યવાહી કરી હતી.