ઇડીએ ફેરપ્લે પોર્ટલના સટ્ટાબાજીના પ્રકરણમાં કચ્છ સહિત દેશમાં વધુ ૨૧૯ કરોડની સંપત્તિ જપ્ત કરી

ભુજ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટના ગેરકાયદેસર પ્રસારણ અને ગત લોકસભા ચૂંટણીના પરિણામો પર કથિત રીતે ઓનલાઈન સટ્ટાબાજીમાં સંડોવાયેલી વેબસાઈટ સામે મની લોન્ડરિંગ કેસમાં લગભગ રૂ. ૨૧૯ કરોડની જપ્ત કરેલી સંપત્તિમાં કચ્છમાં આવેલી કેટલીક સંપત્તિનો પણ સમાવેશ થાય છે.
થાણે અને મુંબઈ (મહારાષ્ટ્ર)માં ફેરપ્લે નામના ઓનલાઇન પોર્ટલ સામેના કેસમાં અજમેર (રાજસ્થાન), કચ્છ (ગુજરાત), દમણ ખાતે સ્થિત ડીમેટ એકાઉન્ટ હોલ્ડિંગ્સ અને સ્થાવર મિલકતોને જપ્ત કરવા માટે ગત ૨૨ નવેમ્બરના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કામચલાઉ આદેશ જારી કરવામાં આવ્યો હતો.
કેન્દ્રીય એજન્સી ઇડીએ જણાવ્યું હતું કે, ફેરપ્લે નામની પોર્ટલ આઈપીએલ ક્રિકેટ મેચોના ગેરકાયદેસર પ્રસારણ અને લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામો સહિત વિવિધ ઓનલાઈન સટ્ટાબાજીની પ્રવૃત્તિઓમાં સામેલ છે.” આ સંપત્તિઓની કુલ કિંમત રૂ. ૨૧૯.૬૬ કરોડ જેટલી આંકવામાં આવી છે. તપાસ એજન્સીએ આ કેસમાં અગાઉ ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની મિલકતો જપ્ત કરવાની સાથે હવે આ આંક રૂ. ૩૩૧ કરોડ પર પહોંચ્યો છે.
મની લોન્ડરિંગનો રાષ્ટ્રીય સ્તરે ચકચારી બનેલો આ કેસ મુંબઈ પોલીસના સાયબર સેલની એફઆઈઆરમાંથી ઉદ્ભવ્યો છે જે વાયાકોમ-૧૮ મીડિયા પ્રાઈવેટ લિમિટેડની ફરિયાદના આધારે ફેરપ્લે સ્પોર્ટ એલએલસી અને અન્ય લોકો સામે રૂ. ૧૦૦ કરોડથી વધુની આવકને નુકસાન પહોંચાડવા બદલ દાખલ કરવામાં આવી હતી.
અત્યારસુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે, ફોરપ્લેના મુખ્ય આરોપી ક્રિશ લક્ષ્મીચંદ શાહે પ્લે વેન્ચર્સ એન.વી. અને ડચ એન્ટિલેસ મેનેજમેન્ટ એન.વી. કુરાકાઓ ખાતે, ફેર પ્લે સ્પોર્ટ એલએલસી અને દુબઈમાં ફેરપ્લે મેનેજમેન્ટ ડીએમસીસી અને માલ્ટામાં પ્લે વેન્ચર્સ હોલ્ડિંગ લિમિટેડ જેવી વિવિધ કંપનીઓની નોંધણી કરી હતી.
આ પણ વાંચો…Essar groupના કો-ફાઉન્ડર શશિ રુઈયાનું 81 વર્ષની વયે નિધન
ફેરપ્લેનું સંચાલન મુખ્યત્વે શાહ દ્વારા દુબઈથી તેમના સહયોગીઓ જેમ કે સિદ્ધાંત શંકરન ઐયર ઉર્ફે જો પોલ, ચિરાગ શાહ અને ચિંતન શાહ જેમણે ફેરપ્લેના ટેક્નોલોજીકલ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ પાસાઓની સંભાળ લીધી હતી તેની મદદથી કરવામાં આવી રહી છે.
શાહ અને તેના સહયોગીઓએ “ગુનાની આવક”માંથી “જંગમ અને સ્થાવર સંપત્તિ” તેમના નામે અથવા તેમના સંબંધીઓ અથવા પરિવારના સભ્યોના નામે “હસ્તગત” કરી હતી, એમ ઇડીના સૂત્રોએ ઉમેર્યું હતું.